વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીતનો કેફ હજુ આમઆદમી પાર્ટીને ઉતરે એ પહેલાં તો બોટાદથી ચૂંટાયેલાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું છે. મકવાણા રાજીનામું આપે, ભાજપમાં જોડાય, આપને ફટકો પડે એ જે થવું હોય એ થાય. એ સઘળું રાજકારણ છે. પરંતુ આવી રીતે છાશવારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના રાજકીય, આર્થિક સ્વાર્થ ખાતર રાજીનામું આપી દે અને પછી પેટાચૂંટણી આવી પડે ત્યારે એ સઘળો ખર્ચ જનતાએ ભોગવવાનો થાય છે. આ વિશે હવે જનતાનો અવાજ જાગવો જોઈએ અને કાયદામાં સુધારો લાગુ થવો જ જોઈએ.
ધારાસભ્યોના તકવાદની પ્રજાને સજા શા માટે?
છેલ્લાં કેટલાં સમયમાં વિપક્ષના ધારાસભ્યો પોતાના ધારાસભ્યપદની મુદત પૂરી થાય એ પહેલાં જ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે અને પછી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વાપસી કરે છે અથવા તો ટીકિટ ન મળે તો બીજો કશોક લાભ મેળવીને રાજી રહેતાં હશે. એ યાદીમાં અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, ચિરાગ પટેલ, હકુભા જાડેજા, કુંવરજી બાવળિયા, બ્રિજેશ મેરજા, અલ્પેશ ઠાકોર, હર્ષદ રિબડિયા, ભગાભાઈ બારડ, રાજેન્દ્ર રાઠવા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતુ ચૌધરી… આટઆટલાં ધારાસભ્યોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા અને તે પૈકી ઘણાંખરાં કિસ્સામાં પેટાચૂંટણી આવી પડી. આ દરેક ધારાસભ્યોએ રાજકીય કે આર્થિક ફાયદા માટે પદત્યાગ કર્યો હશે. પક્ષપલટો કર્યાનો કોઈ તો લાભ તમને અંદરખાને મળતો જ હશે. પરંતુ તેનો ભોગ દેશના મહેનતકશ કરદાતાઓ બને એ કેવો વિરોધાભાસ? એક રાજકીય પક્ષ પોતાની સત્તાના જોરે બીજા પક્ષના ધારાસભ્યોને લોભાવીને ફાયદો મેળવે એનું નુકશાન દેશની જનતાએ શા માટે ભોગવવાનું?
એક ચૂંટણી એટલે કેટલો ખર્ચ થાય, જાણો છો?
પ્રત્યેક સાધારણ ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ ખર્ચનો અંદાજ મૂકે અને એ પ્રમાણે રાજ્ય સરકાર નાણાંની જોગવાઈ ફાળવે એવી પ્રક્રિયા હોય છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂક્યો હતો. વર્ષ 2017માં તમામ 182 બેઠકો માટે સરકારી તિજોરી પર રૂ. 326 કરોડનું ભારણ આવ્યું હતું. આ તમામ 182 બેઠકોની ચૂંટણી માટેના ખર્ચનો આંકડો છે. પરંતુ છૂટક એક-બે બેઠક પર પેટાચૂંટણી આવે એ વધુ મોંઘી પડતી હોય. ફરજ પરના કર્મચારીઓનો પગાર, EVM લાવવા-મૂકવા અને સાચવવાની વ્યવસ્થા પાછળનો ખર્ચ, મતદાનની વ્યવસ્થા ગોઠવવાનો ખર્ચ, વાહન વ્યવહાર સહિત અનેક ખર્ચ સાથે એક પેટાચૂંટણીથી સરકારની તિજોરી પર ઓછામાં ઓછું દોઢથી બે કરોડ રૂપિયાનું ભારણ પડતું હોય છે. એક ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે રાજીનામું અને એટલાં ખાતર સરકાર આટલો ખર્ચ શા માટે ભોગવે?
પક્ષાંતર પ્રતિબંધિત ધારાની મજાક ઉડાવે છે ધારાસભ્યો
1985માં રાજીવ ગાંધીની સરકારે બંધારણની 10મી સુચિમાં 92મો સુધારો લાગુ કરીને પક્ષાંતર પ્રતિબંધક કાનૂન પસાર કર્યો હતો. એ મુજબ સાંસદ કે ધારાસભ્ય પોતાના હોદ્દા પર રહીને પક્ષપલટો કરી શક્તાં નથી. પરંતુ ગુજરાત જેવા રાજ્યોમાં તેનો ભરપૂર અને છડેચોક ગેરલાભ લેવાઈ રહ્યો છે. ફરીથી ટિકિટ મળવાની અને જીતવાની ખાતરી હોય અથવા અન્ય લાભ મળતાં હોય ત્યારે ધારાસભ્યો રાજીનામું આપી દે ત્યારે પક્ષાંતર ધારો લાગુ થતો નથી. આવા કિસ્સાઓની ભરમારે ગુજરાતમાં લોકશાહીને મજાક બનાવી દીધી છે. હવે આ કાયદામાં સુધારો લાગુ કરીને રાજીનામું આપનાર ધારાસભ્યને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવીને સંબંધિત પક્ષને જ તમામ ચૂંટણીખર્ચ ભરપાઈ કરવાની જોગવાઈ લાગુ કરવી જોઈએ. આ તો ફાયદો થાય ધારાસભ્યોને, હેતુ સરે રાજકીય પક્ષોનો અને મરો થાય જનતાનો, આ કેવી રીતે ચલાવી શકાય?