શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ!, દબાયેલા અવાજો બહાર આવીને વિરોધના સૂર આલાપવા લાગ્યા છે

By: nationgujarat
13 Sep, 2024

BJP Gujarat Politics : ભાજપની ઈમેજ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. તેનું બ્રાન્ડિંગ પણ માર્કેટિંગ પણ એ જ રીતે કરવામાં આવે છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીમાં ગત લોકસભાની ચૂંટણી બાદથી તિરાડો જોવા મળી રહી છે. પાર્ટીમાં દબાયેલા અવાજો બહાર આવીને વિરોધના સૂર આલાપવા લાગ્યા છે. પરંતું કલોક નગરપાલિકામાં જે થયું તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. પહેલીવાર આ રીતે વિરોધ જોવા મળ્યો છે, જેમાં રાજીનામા પડ્યા છે. ત્યારે કલોલ નગરપાલિકામાં અપનાવાયેલી પ્રેશર ટેકનિકથી ભાજપનું મોવડી મંડળ ગુસ્સે ભરાયું છે. ગુજરાત ભાજપ દ્વારા આકરા પગલા લેવાઈ શકે છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તાર ની કલોલ નગરપાલિકા હોવાના કારણે અમિત શાહ ને પૂછ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

કમલમમાં ગંભીર નોંધ લેવાઈ 
કલોલના નગરપાલિકાના સભ્યોના રાજીનામાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. કલોલ પાલિકામાં લાફાકાંડના પડઘા પડ્યા છે. ગઈકાલે સ્ટેન્ડીંગ ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોના રાજીનામા આપી દીધા હતા. કલોલ પાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામા પડ્યા છે. અને હજી વધુ 8 રાજીનામાં આવવાની શક્યતા છે. ત્યારે આ પગલાથી કલોલ નગરપાલિકામાં BJP લઘુમતીમાં આવી શકે છે.

કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઈ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ સાથે બેઠક કરી હતી.

આજે વધુ એક રાજીનામું પડ્યું
કલોલ પાલિકા લાફાકાંડ બાદ આજે વધુ એક કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર બીનાબેન ભગવાન જેઠવાણીએ રાજીનામું આપ્યું. હજી બીજા બે રાજીનામા આવી શકે છે. જેમાં સોનાલીબેન ભગોરા (વોર્ડ 9) અને સીમાબેન નાયક (વોર્ડ નંબર 3) ના રાજીનામા પણ પડી શકે છે. આ સિવાય હજુ બીજા પણ રજીનામા પડે એવી શક્યતા છે.


Related Posts

Load more