ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક સજીવન થયા છે. ત્યારે હવે આ નેતાએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો હોય તેવું લાગે છે. આ સાથે જ જવાહર ચાવડા કંઈક નવાજૂની કરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયાની જીતના એક મહિના બાદ ભાજપના નિષ્ક્રીય રહેલા જવાહર ચાવડામાં અચાનક જોમ આવ્યું છે. તેઓએ જુનાગઢમાં ફરી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહિ, ભાજપ નેતા અને પુર્વ મંત્રી જવાહર ચાવડાએ ફરીથી રોજગારનો મુ્દ્દો ઉપાડ્યો છે. જવાહર ચાવડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચારને કારણે રોજગાર મળતો નથી. મહિલાઓના રોજગાર માટે નક્કર પગલાં લેવા જરૂરી છે. માત્ર વાતો જ નહિ, કામ કરવું પડશે. મહિલાઓએ રોજગાર માટે સંઘર્ષ કરવો પડે છે. રોજગાર સહાયતા અભિયાનમાં હું આપની પાસે આવીશ.
શું નવાજૂની કરશે જવાહર ચાવડા
જવાહર ચાવડા અચાનક પિક્ચરમાં આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા જામી છે. કેટલાક કહી રહ્યાં છે કે, અચાનક સક્રિય થવાથી જુનાગઢમાં નક્કી જ કંઈક નવાજૂની થઈ શકે છે. જવાહર ચાવડાને અચાનક પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું સૂઝ્યું છે. તેથી લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જશે કે કેમ.
સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું..
તેમને સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, સાહેબે પક્ષપલટો કર્યો એ મોટી ભૂલ કરેલી છે.જુનાગઢમાં ગણુ માન હતુ પણ તેમને ગમ્યું તે ખરુ હવે સવારના ભુલેલા સાંજ ઘરે આવશે સમય હવે નજીક છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, જવાહરભાઈ ચાવડા આપ શ્રી આવનારી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે રહો એવી અમારી આશા છે સો ટકા તમારી જીત થશે.
ઉલ્લેખનીય છે કે, વિસાવદરની પેટાચૂંટણીથી જાણે જવાહર ચાવડામાં નવો જોમ ભરાયો હોય તેમ તેઓ ફરી એક્ટિવ જોવા મળ્યા છે. ભાજપમાં સાઈડલાઈન કરાયેલા આ પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો હોય તેવું લાગે છે. જવાહર ચાવડાએ એકાએક બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેને કારણે ભાજપની રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ ફરી તેજ બની છે.