BIHAR – વૈભવની ધાકડ બેટીંગથી બિહારના મુખ્યમંત્રી ખુશ થયા, કરી ઇનામની જાહેરાત, વૈભવ પર રૂપિયાનો વરસાદ

By: nationgujarat
29 Apr, 2025

રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે હવે IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં વૈભવે યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો. યુસુફે 2010 માં 37 બોલમાં સદી ફટકારી હતી.

સૂર્યવંશીએ પોતાની ઇનિંગ દરમિયાન એવા શોટ રમ્યા કે બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. RR અને GT વચ્ચે રમાયેલી મેચ પછી, ક્રિકેટ જગતમાં ફક્ત સૂર્યવંશીની જ ચર્ચા થઈ રહી છે. તેની ઇનિંગને કારણે રાજસ્થાને 210 રનનો લક્ષ્યાંક 25 બોલ અને આઠ વિકેટ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો. વૈભવની આ ઇનિંગ જોયા પછી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વૈભવની બેટીંગના ખૂબ વખાણ કર્યા. તેમણે વૈભવ માટે ટ્વીટ કર્યું જેમાં તેમણે ઈનામની જાહેરાત પણ કરી.

નીતિશ કુમારે વૈભવ સૂર્યવંશી માટે ટ્વિટ કર્યું
નીતિશ કુમારે લખ્યું કે બિહારના વૈભવ સૂર્યવંશીને અભિનંદન અને શુભકામનાઓ, જે IPLના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ) બન્યો. તે પોતાની મહેનત અને પ્રતિભાને કારણે ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા બની ગયો છે. બધાને તેના પર ગર્વ છે. નીતિશ કુમારે આગળ લખ્યું કે મેં 2024 માં જ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે હું વૈભવ સૂર્યવંશી અને તેમના પિતાને વર્ષ 2024 માં મળ્યો હતો અને તે સમયે મેં તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. મેં તેમની સાથે ફોન પર વાત પણ કરી અને IPLમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને દસ લાખ રૂપિયા થકી સન્માન કરવામાં આવશે

આ દરમિયાન બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાકેશ તિવારીએ પણ વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચ બાદ રાકેશ તિવારીએ કહ્યું કે વૈભવે ફરી એકવાર બિહાર અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરે IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારવી એ ખરેખર અસાધારણ સિદ્ધિ છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ હંમેશા માનતા હતા કે વૈભવ એક મહાન ખેલાડી બનશે અને આજે તેમણે તે દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે. આ તો ફક્ત એક અસાધારણ યાત્રાની શરૂઆત છે.


Related Posts

Load more