શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે પ.પૂ.મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૩૭ પાર્ષદોનો ભાગવતી દિક્ષા સમારોહ યોજાયો

By: nationgujarat
25 Oct, 2024

વેદકાળથી ભારતની સંસ્કૃતિ કૃષિપ્રધાન સાથે ઋષિપ્રધાન રહી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનએ કહ્યું હતું “We live in the society not because of the scientific invention, but due to the saints moving over the earth.”

 

બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે તા.૨૩/૧૦/૨૦૨૪ના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી  મહારાજનાં હસ્તે ૨૯ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સંત દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંતતાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રાપ્ત કરી છે એવા ૩૭ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે આજરોજ તા.૨૫/૧૦/૨૦૨૪, શુક્રવારના રોજ સંત દિક્ષા અર્થાત ભાગવતી દિક્ષા પ્રદાન કરવામાં આવી હતી. 

 

આજે ભાગવતી દીક્ષા નિમિતે સવારે આઠ વાગ્યે મહાપૂજાવિધિ સંપન્ન થઇ હતી. જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. આજના પ્રસંગે વરિષ્ઠ સંતોએ પ્રસંગોચિત ઉદ્દબોધન પણ કર્યા હતા. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ દીક્ષાર્થીઓને  પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ કંઠી, પૂજ્ય વિવેકસાગર સ્વામીએ ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ અર્થાત્ કે,‘અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું’ એ દીક્ષામંત્ર આપ્યો હતો. પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને પ્રસાદીનું પુષ્પ આપ્યું હતું તથા પૂજ્ય ધર્મચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને સ્મૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

આજનાં આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં ૧ ડોક્ટર, ૧ પી.એચ.ડી, ૪ માસ્ટર ડિગ્રી, ૧૨ એન્જીનીયર, ૧૮ અન્ય સ્નાતક ડિગ્રી તથા ૧ અન્ય. આમ, વિવિધ શાખાઓમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા કુલ ૩૭ પાર્ષદો આજે મહંતસ્વામી મહારાજની ભગવી સેનામાં જોડાયા છે. આજે સંતદીક્ષા લેનાર ૩૭ દીક્ષાર્થીઓમાં ૧૧ USA, ૨ Canada, ૨ UK, ૩ Africa તથા ૧ Australia – એમ ૧૯ દીક્ષાર્થી પાર્ષદો પરદેશના છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ વરદ હસ્તે કુલ ૩૨૨ સંતો દીક્ષિત થયા છે. અને બી.એ.પી.એસ. સંસ્થાની સંત પંક્તિમાં હાલ કુલ ૧૨૨૦ સંતો વિદ્યમાન થયા છે.  

 

દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વરિષ્ઠ મહિલાઓ દ્વારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

 

આજનાં આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, “દીક્ષાર્થી સાધુના માતા – પિતાને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને અહી સેવામાં આપી દીધા. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે. આ પ્રાપ્તિ મોટી છે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે. આ પ્રાપ્તિ મોટી છે. સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે તો જીવન ધન્ય થઈ જાય. સાધુતા દ્રઢ કરવી અને સહન કરવું તે સાધુતા.” આ પ્રસંગે સ્વામીશ્રીને વરિષ્ઠ સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વના ૫૫ થી વધુ દેશોમાં આધ્યાત્મિક-સામાજિક સેવાઓનો વ્યાપ ધરાવતી બી.એ.પી.એસ. સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉચિત પદ ધરાવે છે જે સાથે સનાતન હિન્દુ ધર્મના મૂળભૂત મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરીને, રાષ્ટ્ર સેવાની આહલેક જગાવી સૌ કોઈમાં ચારિત્ર્યની દ્રઢતા કરાવી જીવન સાર્થક કરવાનું નક્કર કાર્ય કરી રહી છે, જે માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી વૈશ્વિક સ્તરે બાળ-યુવા-યુવતી અને મહિલા સત્સંગ પ્રવૃતિના કેન્દ્રો પૂર્ણકાલીન કાર્યરત છે. વ્યસન મુક્તિ, પર્યાવરણ જતન વગેરે તો જાણે કાયમી પ્રોજેકટ જ છે. વિપરીત સમયમાં સમાજને જ્યારે આફત આવે છે ત્યારે ભૂકંપ, સુનામી,પૂર, યુક્રેન-રશિયાના યુદ્ધની પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા માનવ સેવાની ભાગીરથી વહી છે જેની નોંધ સૌ કોઈ અને વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે.

 

સંસ્થાના સેવા આયમોના વિશાળ વ્યાપના કાર્યવાહકો આ સંતો છે. અનેક કાર્ય કુશળતામાં માહિર આ સંતો એક પણ દિવસની રજા, અને કોઈ પણ પ્રકારનું વેતન લીધા વિના સમગ્ર જીવન સત્પુરુષની આજ્ઞા મુજબ સેવા, ભક્તિમાં વિનિયોગ કરે છે એ આજના સમયનો મોટો ચમત્કાર છે અને સનાતન ધર્મના મૂલ્યો આજે પણ જીવંત છે એ વાતની પ્રતીતિ આ સંતોના જીવન, એમની સમજણ અને એમના પ્રદાન દ્વારા સમજાય છે.


Related Posts

Load more