BCCI એક દિવસમાં કરશે બબ્બે ધડાકા, એશિયા કપ સાથે વર્લ્ડ કપની ટીમ થશે જાહેર, નોંધી લો સમય
By: Nation Gujarat Team
19 Aug, 2025
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ એક જ દિવસે બે ધડાકા કરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ મંગળવારે પુરુષ એશિયા કપ 2025 અને મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન કરશે. બંને ટીમોની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. બંને ટીમની જાહેરાત અલગ અલગ સમયે થશે. એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી યુએઈ ખાતે થશે. આ વખતે ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. મહિલા વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી ભારતની ધરતી પર રમાશે.
પુરુષ એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે સીનિયર સિલેક્શન કમિટિની 19 ઓગસ્ટે મુંબઈ સ્થિત બીસીસીઆઈ કાર્યાલય ખાતે મિટિંગ યોજાશે. સિલેક્શન મિટિંગ બાદ બપોરે 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થશે. જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર ઉપસ્થિત રહે એવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે, ટીમની પસંદગી આ વખતે મોટા ફેરફાર થઈ શકે છે. એવામાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે એશિયા સ્ક્વોડમાં જગ્યા મેળવવી મુશ્કેલ થઈ શકે છે.
સિલેક્ટર્સ અભિષેક શર્મા અને સંજૂ સેમસનની વર્તમાન જોડીને પસંદ કરે એવી આશા છે. ત્રીજા બેટ્સમેન માટે ગિલનું નામ ચર્ચામાં છે. જો કે આ ક્રમ માટે યશસ્વી જયસ્વાલ પણ પ્રબળ દાવેદાર છે. ટીમમાં અન્ય બેટ્સમેનોમાં તિલક વર્મા અને રિંકુ સિંહ સામેલ થઈ શકે છે. ઓલરાઉન્ડર શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર પણ દાવેદાર છે. જિતેશ શર્માને બીજા વિકેટકીપર તરીકે સામેલ કરવાની આશા છે.
બીજી બાજુ વનડે વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત મંગળવારે સાડા ત્રણ વાગ્યે થશે. સિલેક્શન મિટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને મહિલા પસંદગી સમિતિની અધ્યક્ષ નીતૂ ડેવિડ હાજર રહેશે. જો ખેલાડીઓના હાલના પ્રદર્શન પર નજર કરીએ તો, ટોપ 6માંથી ચાર બેટ્સમેનની જગ્યા બિલકુલ નક્કી લાગી રહી છે. આ યાદીમાં હરમનપ્રીત સિવાય સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ અને ઋચા ઘોષનું નામ સામેલ છે.