દેશને સેંકડો IAS-IPS આપનાર UPSC કોચિંગ ટીચર અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે અને ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હીની ચૂંટણીમાં પણ ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આઈઆઈટીયન રહી ચૂક્યા છે.
કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી દિલ્હીની ચૂંટણી કોઈપણ સહયોગી ભાગીદાર વિના સ્વતંત્ર રીતે લડશે. કોંગ્રેસ સાથે સીટ વહેંચણી પર સહમત થવામાં નિષ્ફળ રહ્યા બાદ પાર્ટીએ અગાઉ હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડી હતી. કેજરીવાલે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, દિલ્હીમાં (વિધાનસભા ચૂંટણી માટે) કોઈ ગઠબંધન નહીં થાય. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાવાની છે અને ભારતના ચૂંટણી પંચે હજુ સુધી તારીખોની જાહેરાત કરી નથી. આમ આદમી પાર્ટીએ ગયા મહિને ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત સાથે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. AAPએ પ્રથમ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ આપ્યા છે. બ્રહ્મ સિંહ તંવર (છતરપુર), અનિલ ઝા (કિરારી) અને બીબી ત્યાગી (લક્ષ્મી નગર) તાજેતરમાં ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા. ઝુબેર ચૌધરી (સીલમપુર), વીર સિંહ ધીંગાન (સીમાપુરી) અને સોમેશ શૌકીન (મટિયાલા) કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા.