વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રનનો વરસાદ થઈ ગયો. ડો. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને 5 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 208 રન કર્યા. જેના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 2 વિકેટ રહેતા મેચ જીતી લીધી. રિંકુ સિંહ એકવાર ફરીથી ફિનિશર તરીકે જોવા મળ્યો. છેલ્લા બોલે ભારતને 1 રનની જરૂર હતી અને રિંકુએ છગ્ગો માર્યો, પરંતુ તે શોટ કાઉન્ટ થયો નહીં અને ટીમ ઈન્ડિયાને 1 રન મળી ગયો. આવું કેમ થયું તે ખાસ જાણો.
રિંકુ ધ ફિનિશર
છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાને જીત માટે 7 રનની જરૂર હતી. ભારતની 5 વિકેટ પડી ગઈ હતી. રિંકુ સિંહ અને અક્ષર પટેલ ક્રીઝ પર હતા. સીન એબોટે ઓવરનો પહેલો બોલ ફેંક્યો જેના પર રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો. હવે 5 બોલમાં 3 રનની જરૂર હતી. બીજા બોલ પર 1 રન લઈને રિંકુએ અક્ષરને સ્ટ્રાઈક આપી. ત્રીજા બોલ પર અક્ષર 2 ન સાથે મોટો શોટ લગાવવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. ચોથા બોલ પર બેટિંગ માટે આવેલા રવિ બિશ્નોઈ પણ રનઆઉટ થતા પેવેલિયન ભેગો થયો. સતત બે વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો અર્શદીપ સિંહ. રિંકુએ પાંચમા બોલ પર શોટ માર્યો. બે રન લેવાના ચક્કરમાં અર્શદીપ 0 રનમાં રન આઉટ થયો. હવે 1 બોલ પર 1 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રિંકુ હતો. રિંકુએ છેલ્લા બોલ પર છગ્ગો માર્યો અને મેચ ફિનિશ કરી. પરંતુ હજુ પણ અહીં એક ટ્વિસ્ટ બાકી હતો. એમ્પાયરે શોટ કાઉન્ટ ન કર્યો અને 1 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત આપી દીધી. પરંતુ આમ કેમ થયું?
આ કારણસર સિક્સ ગણાઈ નહીં
વાત જાણે એમ હતી કે સીન એબોટનો છેલ્લો બોલ નોબોલ હતો અને ભારતને એક રનની જરૂર હતી. છગ્ગો મારતા પહેલા જ ટીમ ઈન્ડિયાને 1 રન મળી ગયો હતો અને ટીમ જીતી ગઈ હતી. આથી રિંકુ સિંહનો શોટ કાઉન્ટ થયો નહીં અને ભારતે એક બોલ બાકી હતો અને મેચ પોતાના નામે કરી લીધી. જો એકથી વધુ રન ટીમને જોઈતા હોત તો આ શોટ જરૂર કાઉન્ટ થાત. ટીમ અને રિંકુ બંનેના ખાતામાં 6 રન જોડાઈ જાત. રિંકુ સિંહે આ મેચમાં 14 બોલમાં 22 રનની મેચ ફિનિશિંગની ઈનિંગ રમી.
સૂર્યાની કેપ્ટનશીપ ઈનિંગ
રિંકુ સિંહ પહેલા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો. ODI વર્લ્ડ કપ 2023માં ફ્લોપ રહેલા સૂર્યાએ ટી20 ફોર્મેટમાં પાછા ફરતા જ પોતાના બેટથી બધાને આંજી દીધા. સૂર્યાએ આ મેચમાં ફક્ત 42 બોલમાં 80 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેણે 9 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા માર્યા. જ્યારે ઈશાન કિશને પણ ખુબ ચોગ્ગા છગ્ગા ફટકાર્યા. કિશને 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદતી 39 બોલમાં 58 રન બનાવ્યા. આ બંને ઈનિંગના દમ પર ભારત જીતની નજીક પહોંચી શક્યું.