સ્માર્ટ મીટરને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી વ્યક્તિને 9.24 લાખનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. મહિને 1300 થી 1400 બિલ ભરતા નાગરિકને 9.24 લાખનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે. MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું વીજ બીલ 1500 થી 2000 આવે છે. પણ આ વખતે સ્માર્ટ મીટર લાગ્યા બાદ મારી પાસે મેસેજ આવ્યો કે તમારૂ રૂા. 9.24 લાખનું બીલ બાકી છે. આવો મેસેજ આવતા હું ચોકી ઉઠ્યો હતો. તેમજ આ બાબતે મે MGVCL રજૂઆત પણ કરી હતી.
સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.