એમએસ ધોની પછી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન કોણ હોવો જોઈએ? આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવી સંભાવના છે કે IPL 2024 એક ખેલાડી તરીકે ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. ધોનીએ ગયા વર્ષે IPLમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી હતી પરંતુ તેણે તેમ કર્યું ન હતું. ટીમ ઈન્ડિયા અને CSKના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ હવે મોટી ભવિષ્યવાણી કરી છે. રાયડુને લાગે છે કે ધોની બાદ ચેન્નાઈની ટીમની બાગડોર 26 વર્ષીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ પાસે જઈ શકે છે.
જ્યારે રણવીર શોમાં રાયડુને પૂછવામાં આવ્યું કે ધોનીની નિવૃત્તિ પછી CSKની કેપ્ટનશીપ કોણ કરશે? આના જવાબમાં રાયડુએ કહ્યું કે, મને લાગે છે કે આદર્શ રીતે આ જવાબદારી ગાયકવાડને જ આપવી જોઈએ. પરંતુ ચાલો જોઈએ કે શું થાય છે.” તમને જણાવી દઈએ કે ગાયકવાડે 2020 માં CSK માટે IPL ડેબ્યૂ કર્યું હતું. તેણે 2021માં 16 મેચમાં 635 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. ગાયકવાડે 2021 અને 2023માં CSKને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ગત સિઝનમાં 590 રન બનાવ્યા હતા.
IPL 2022 મેગા ઓક્શન પહેલા CSK દ્વારા રિટેન કરાયેલા ચાર ખેલાડીઓમાં ગાયકવાડનો સમાવેશ થાય છે. તેણે 52 IPL મેચોમાં 39.07ની એવરેજથી 1797 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 14 અર્ધસદી સામેલ છે. નોંધનીય છે કે CSKએ IPL 2023માં પાંચમી ટ્રોફી જીતી હતી, ત્યારબાદ રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રાયડુએ 42 વર્ષીય ધોનીની કેપ્ટનશિપ અને ભારતીય ક્રિકેટમાં તેના વારસાની પ્રશંસા કરી હતી. ધોની સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેમની કપ્તાની હેઠળ ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેમજ ધોનીના નેતૃત્વમાં CSKએ 5 IPL ટાઇટલ અને 2 ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી હતી.
તમારા મતે કોણ હોવો જોઇએ CSK કેપ્ટેન ધોની પછી ? કમેન્ટ કરોજો