મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આજે એટલે કે શનિવાર, 24 મેના રોજ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સાથે તેમણે નવા કેપ્ટનની પણ જાહેરાત કરી. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાના કુલ 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ ટીમની કમાન યુવા શુભમન ગિલને સોંપવામાં આવી છે. રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કરુણ નાયર 2017 પછી પહેલી વાર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જ્યારે સાઈ સુદર્શન, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, મોહમ્મદ શમીની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, અજિત અગરકરે શમીને ડ્રોપ કરવા અંગે અને કોહલીના રિટાયરમેન્ટ અંગે પણ જવાબ આપ્યો.
અજિત અગરકરે પુષ્ટિ આપી છે કે મેડિકલ ટીમે મોહમ્મદ શમીને અનફિટજાહેર કર્યા છે, જેના કારણે તેની પસંદગી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે પસંદગી સમિતિ તેમને ટીમમાં સામેલ કરવા માંગતી હતી, પરંતુ મેડિકલ ટીમ તરફથી પ્રતિસાદ મળ્યા બાદ, તેમને પોતાનો નિર્ણય બદલવો પડ્યો. તમને જણાવી દઈએ કે, શમીએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ WTC ફાઇનલ 2023 ના રૂપમાં રમી હતી.
અજિત અગરકરે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીએ એપ્રિલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. અગરકરે કહ્યું કે તેઓ કોહલીના નિર્ણયનું સન્માન કરે છે કારણ કે તેઓ ટેસ્ટથી દૂર રહેવા માંગે છે.
જસપ્રીત બુમરાહ પાંચેય ટેસ્ટ નહીં રમે, અજિત અગરકરે પુષ્ટિ આપી. મુખ્ય પસંદગીકાર કહે છે કે બુમરાહ કેટલી ટેસ્ટ રમશે, ચાર કે ત્રણ, તે તો સમય જ કહેશે. તેમણે એમ પણ કહ્યું કે ફિઝિયો અને સમગ્ર મેનેજમેન્ટ બુમરાહના વર્કલોડનું કાળજીપૂર્વક સંચાલન કરશે. રોહીત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમના દિગ્ગજ ખિલાડીઓ હતા તેમનુ સ્થાન લેવુ મોટી વાત છે.