મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડનું મહાકૌભાંડનો ખુલાસો થયો છે. મહાકૌભાંડ અંગે CID ક્રાઈમ મહીસાગર વાસ્મો યુનિટ મેનેજર, અધિકારી, કર્મચારી સામે એફઆઇઆર નોંધશે. કોંટ્રાક્ટરો અને પાણી સમિતિ સામે પણ ફરિયાદ નોંધાશે.
મહીસાગર જિલ્લામાં નલ સે જળ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી સામે આવી હતી. યોગ્ય કામગીરી ન હોવા બાબતે ફરિયાદો ઉઠી હતી જેને લઈ અને મહીસાગર જિલ્લામાં વાસમો કચેરી અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ગામોમાંથી વિજિલન્સ તપાસનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે કામગીરી યોગ્ય ન કરનાર કોન્ટ્રાક્ટરો સામે તંત્રએ લાલ આંખ કરી હતી અને તેમને અનેક નોટિસો પણ ફટકારી હતી અને રિકવરી સુધીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરીને લઈને તત્કાલીન કચેરીના સ્ટાફની પણ બદલી કરી દેવામાં આવી હતી. તો કેટલા કોન્ટ્રાક્ટરોને ડીબાર્ડ પણ કરવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલ કામગીરી બાબતે સંતરામપુર તાલુકાના જુના કાળીબેલ ગામે એબીપી અસ્મિતા દ્ધારા તપાસ હાથ ધરાઇ હતી. તપાસમાં વાસ્મો દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં લોકોના ઘર સુધી પાઇપ કનેક્શન પહોંચેલા જોવા મળ્યા હતા પરંતુ ત્યાં નળ નહોતા. કેટલીક જગ્યાએ નળ માટે ચોકડી બનાવવામાં આવી હતી પરંતુ ત્યાં માત્ર પાઇપ જ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષથી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ અમને અત્યાર સુધી આ પાઇપલાઇન દ્વારા પાણી મળ્યું નથી.
પાઇપો નાખવામાં આવી હતી. પરંતુ ત્રણ વર્ષ થવા આવ્યા છતાં પાઇપમાં પાણી આવ્યું નથી. લુણાવાડા તાલુકાના ચંચળ ગામે પણ એબીપી અસ્મિતા દ્વારા તપાસ કરવામાં આવી હતી તો નાડ ફળિયા વિસ્તારમાં પાઇપના કનેક્શન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના નળ જોડવામાં આવ્યા નહોતા. સ્થાનિકોએ જણાવ્યું હતું અમારા ફળિયામાં પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ જોડાણ આપ્યું નથી જેથી કરીને અમને પાણી મળ્યું નથી લગભગ બે થી ત્રણ વર્ષ પહેલાં કામગીરી થઈ હતી પરંતુ ગામમાં હજી પણ અમે પાણી માટે વલખા મારી રહ્યા છીએ. આ બાબતે મહીસાગર જિલ્લા વાસ્મો અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી આપવાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.
સમાચાર ક્રેડિટ – એબીપી અસ્મિતા ન્યુઝ