અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: જાણો કયા રોડ બંધ રહશે, કયા છે વૈકલ્પિક રસ્તા

By: nationgujarat
07 Dec, 2024

BAPS Karyakar Suvarna Mahotsav : વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. આ ભવ્ય ઉજવણી દરમિયાન શહેરમાં વાહનોને અવરજવરમાં સરળતા રહે તે માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કયા રોડ બંધ રહેશે અને ક્યા વૈકલ્પિક રસ્તા છે તેને લઈને જાણકારી આપી છે.

ટ્રાફિક પોલીસનું જાહેરનામું

અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદના સિનિયર અધિકારીઓની મિટિંગ મળી હતી. કાર્યક્રમના આયોજનના પગલે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાબરમતી જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે એસપી રિંગ રોડના નાના ચિલોડાથી અપોલો સર્કલ બાજુંના રોડ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. જ્યારે અમદાવાદમાંથી આવતા વાહનો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક નજીક પરિમલ હોસ્પિટલ આગળના ખાનગી પ્લોટમાં ટૂ-વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ તેને લઈને કાર્યરત રહેશે.

આ રૂટ પર અવરજવર બંધ રહેશે

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ 2024: વિવિધ કાર્યક્રમોની સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજન

આ રહેશે વૈકલ્પિક રૂટ

વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સીથઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.


Related Posts

Load more