Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. કારણકે, પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. એવામાં કોંગ્રેસને બીજો એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરાએ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. ફૈઝલ પટેલની પાર્ટી છોડવાની જાહેરાત સાથે જ તેની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતથી ફૈઝલ પટેલ અને તેની બહેન મુમતાઝ પટેલ પાર્ટીથી નારાજ હતાં. કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાર્ટીથી દૂર થવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, ‘ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણાં વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ, દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલી દરેક રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલું રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું’.
ભાજપમાં જોડાશે ફૈઝલ પટેલ?
ગુજરાતના દિગ્ગજ નેતાઓ ભાજપના મંચ પર જોવા મળે તે હવે કોઈ નવી વાત નથી રહી. એવામાં હવે અટકળો તેજ થઈ રહી છે કે, ફૈઝલ પટેલ પણ ટૂંક સમયમાં કેસરિયો ધારણ કરી ભાજપના મંચ પર જોવા મળી શકે છે. જોકે, ભાજપની મુસ્લિમ વર્ગને લઈને રાજકીય નીતિને જોતા ફૈઝલ માટે ભાજપમાં પણ રાજકીય કારકિર્દીનું કમળ ખીલી શકે તેવી સંભાવના નહિવત છે. ત્યારે જોવાનું રહ્યું કે, ફૈઝલ પટેલ કેસરિયો ધારણ કરે છે કેમ?