ઈફ્કો બાદ નાફેડની ચૂંટણીમાં ઘમાસાણ, ડિરેકટરની એક જગ્યા માટે 7 ઉમેદવારની દાવેદારી

By: nationgujarat
15 May, 2024

Nafed Election: ઈફ્કો બાદ હવે નાફેડમાં એક જગ્યા માટે ગુજરાતમાંથી સાત ઉમેદવારે દાવેદારી કરી છે. વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે 21 હજાર 414 કરોડનું ટર્નઓવર અને 264 કરોડનો નેટ પ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયાની તા. 21ના ખાસ સાધારણ સભા અને જરૂર પડ્યે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ફરી એકવાર ભાજપમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાંથી એક જગ્યા માટે મોટાભાગે ભાજપ તરફી એવા સાત ઉમેદવારે દાવેદારી નોંધાવી છે.

રાજકોટ લોકસભા બેઠક પર જેની ટિકિટ કપાઈ તે સાંસદ મોહન કુંડારિયાએ, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી છે. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપ તરફથી હજુ સુધી સત્તાવાર મેન્ડેટ અપાયો નથી. પરંતું ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે. ત્યારે નાફેડમાં ભાજપનું ધાર્યું થશે કે અસંતુષ્ટોનું તે 21 મેના નક્કી થશે. ભાજપમાં સર્વસંમતિ માટે ભારે પ્રયાસો થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.


Related Posts

Load more