Adani Gorup Colombo Port Project: અદાણી ગ્રૂપે શ્રીલંકાના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ માટે અમેરિકા પાસેથી લોન લેવાનો ઇનકાર કર્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રૂપે કહ્યું કે, તે શ્રીલંકાનો કોલંબો પોર્ટ પ્રોજેક્ટ પુરો કરવા માટે પોતાના સંશાધનનો ઉપયોગ કરશે. તેની માટે અમેરિકાની સંસ્થા પાસેથી ફડિંગ માંગશે નહીં. મંગળવારે મોડી રાત્રે અદાણી પોર્ટ અને સેઝ કંપની (APSEZ) તરફથી સ્ટોક એક્સચેન્જને કરેલા એક ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.
અદાણી પોર્ટ સેઝે આ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, શ્રીલંકાનો કોલંબો પોર્ટ પ્રોજેક્ટ આગામી વર્ષની શરૂઆતમાં ચાલુ થવા તૈયાર છે. આંતરિક ધોરણે એક્ત્ર કરાયેલા નાણાકીય ભંડોળમાંથી પ્રોજેક્ટ માટે ખર્ચ કરવામાં આવશે.
અદાણી પોર્ટ સેઝ તરફથી આપેલી જાણકારી મુજબ, તેણે યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (DFC) પાસે 2-23 માટે નાણાકીય સહાયની વિનંતી પરત ખેંચી લીધી છે. DFC એ પાછલા વર્ષે નવેમ્બરમાં શ્રીલંકને કોલંબો પોર્ટ પર કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ નામનું ડીપ વોટર કન્ટેનર ટર્મિનલ વિકસાવવા, નિર્માણ અને સંચાલનને સપોર્ટ કરવા માટે 55.3 કરોડ ડોલરની લોન આપવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઇયે કે, થોડાક દિવસો પહેલા અમેરિકાની તપાસ એજન્સીએ અદાણી ગ્રૂપ અને તેના અધિકારીઓ વિરુદ્ધ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી સહિત 8 અધિકારીઓ પર ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો કથિત આરોપ મૂક્યો હતો. સોલાર પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણી ગ્રૂપે લાંચ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રોજેક્ટથી અદાણીને 20 વર્ષમાં 2 અબજ ડોલરનો ફાયદો થવાની અપેક્ષા હતી. જો કે અદાણી ગ્રૂપે અમેરિકાના તમામ આક્ષેપ અને આરોપ ફગાવી દીધા હતા.
હકીકતમાં હવે શ્રીલંકાનો કોલંબો પોર્ટ પ્રોજેક્ટ પુરો થવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં 51 ટકા હિસ્સો અદાણી પોર્ટ પાસે છે. આવી સ્થિતિમાં પોર્ટ્સ કંપનીએ ડીએફસી (DFC) પાસેથી લોન લીધા વગર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
અદાણી પોર્ટ્સ સેઝ તરફથી શ્રીલંકાના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ પોતાના આંતરિક સંશાધન વડે પુરો કરવાના નિર્ણયથી કંપનીના શેર પર બહુ ખાસ અસર નથી થઇ. બીએસઇ પર અદાણી પોર્ટ્સ સેઝનો શેર પાછલા બંધ 1248 રૂપિયા સામે અડધો ટકા વધી આજે 1252 રૂપિયા ખુલ્યો હતો. તમને જણાવી દઇયે કે, પાછલા એક મહિનામાં અદાણી પોર્ટ્સ સેઝ શેર 7 ટકા તૂટ્યો છે. તો છેલ્લા 6 મહિનામાં 11 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. અદાણી પોર્ટ્સ સેઝ શેરમાં વર્ષ 2024માં અત્યાર સુધી 19.5 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.