Dwarka Shivling Missing: દ્વારકામાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં જ શિવભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. હર્ષદ દરિયાકિનારે આવેલાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતાં ભક્તોમાં રોષ છે. હાલ પોલીસ અને SRD જવાનો મંદિરે પહોંચી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું છે. દ્વારકાના હર્ષદ દરિયાકાંઠે ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતાં. મંદિરમાં પૂજા-અર્ચના કરનારા ભક્તો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને SRD ના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી શિવલિંગ મળી આવ્યું છે. જોકે, શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. હાલ, મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસામાજિક તત્ત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનો દબાણ હેઠળ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા હતાં. જોકે, તે સમયે આ મંદિરને તોડવામાં નહતું આવ્યું. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતાં તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હાલ, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ આ કૃત્ય કરવા પાછળનું કારણ પણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.