આપના જાણીતા ચહેરા હાર્યા, અણધાર્યા જીત્યા

 

ભાજપના ગઢમાં આપ ગાબડું ન પાડી શક્યો
આમ તો ગુજરાત જ ભાજપનો ગઢ છે અને તેમાંય સુરત તો ભાજપનો ગઢ મનાય છે. અલબત્ત, પાટીદાર આંદોલનનું અપિસેન્ટર સુરત જ રહ્યું છે. આ વાતનો ફાયદો લેવા માટે આમ આદમી પાર્ટીએ સુરતમાં તેના જાણીતા ચહેરા દાવ પર લગાવ્યા હતા. જેમ કે ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા. આ લોકો એક સમયે પાટીદાર આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા પણ હાર્દિકથી અલગ થઈ ગયા. આ ચારેયને આપે સુરતની ટિકિટ આપી હતી. એવી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયાથી લડતા હતા. આમ પાંચ ઉમેદવારો એવા હતા જે જાણીતા ચહેરા હતા. પણ આ પાંચેય હારી ગયા છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં આપ ગાબડું નથી પાડી શક્યો.
જે નવા ચહેરા જીત્યા તે શા માટે જીત્યા?
આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો ધારાસભ્ય બની ગયા છે. આ પાંચેય ચહેરા એવા છે જે જીતી જશે એવું કોઈએ ધાર્યું નહોતું. હા, ચૂંટણી પહેલાં આ પાંચેય જીતી ગયેલા ચહેરા તેમના કામના કારણે ચર્ચામાં રહ્યા હતા. આ તમામે પોતપોતાના વિસ્તારોમાં પાયાના કામો કર્યા છે અને પછી રાજનીતિમાં આવતાં લોકોએ પક્ષને નહીં પણ ચહેરો જોઈને મત આપ્યો હોય તેવું જણાય છે. ટૂંકમાં, આ પાંચ બેઠકના આમ આદમીઓએ આમ આદમીના ઉમેદવારોને જીતાડી દીધા છે.
કેશુભાઈ પટેલની બેઠક વિસાવદરમાં મોટો અપસેટ સર્જાયો
આમ આદમી પાર્ટીએ જો સૌથી મોટો અપસેટ સર્જ્યો હોય તો એ વિસાવદરમાં સર્જ્યો છે. કારણ કે વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાનો દબદબો હતો. ત્રણેક મહિના પહેલાં હર્ષદ રીબડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે તેમને વિસાવદરની ટિકિટ આપી. પણ આશ્ચર્ય એ છે કે એક સમયે કેશુભાઈ પટેલની બેઠક મનાતી વિસાવદર બેઠકમાં ન તો ભાજપ જીત્યો, ન તો કોંગ્રેસ. માત્ર આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું. આપના ભૂપત ભાયાણી વિજેતા બન્યા છે. વિસાવદરમાં ત્રીજી પાર્ટીની એન્ટ્રી મોટો અપસેટ છે. અલબત્ત, કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માંથી જીત્યા હતા. એનો અર્થ એ કે વિસાવદરમાં ત્રીજી પાર્ટીને લોકો પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe