જાણીતી ટીવી એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા 1.20 કરોડ રૂપિયા, બેટિંગ એપથી કમાયા હતા

By: Nation Gujarat Team
08 Oct, 2026

ટીવી પ્રેઝન્ટર અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગાએ ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ સિન્ડિકેટ પાસેથી મળેલી રકમ સ્વેચ્છાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપી દીધી છે. તપાસના ઈતિહાસમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે કદાચ આ પહેલો એવો મામેલો છે જ્યાં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સિન્ડિકેટમાંથી મળેલી ગુનાહિત આવક જાતે જ EDને પરત કરી હોય.

EDની તપાસ અને શેફાલી બગ્ગાનું નિવેદન

ED દ્વારા છત્તીસગઢની રાયપુર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપના પ્રમોશનલ વીડિયો બનાવવા માટે કુલ 1.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. EDની પૂછપરછ બાદ બગ્ગાએ એજન્સીને વધારાના 1.20 કરોડ રૂપિયા પણ સોંપી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે, ‘મને ખબર નહોતી કે આ એપ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે.’ ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર શેફાલી બગ્ગાની લાખોની સંખ્યામાં મોટી ફેન ફોલોઈંગ છે.

વિકાસ ગર્ગ અને અન્ય આરોપીઓ સામે મોટી કાર્યવાહી

EDએ તાજેતરમાં 42 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં Ebix ગ્રુપના ચેરમેન વિકાસ ગર્ગ પણ સામેલ છે. ગર્ગની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેની 940 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે ગર્ગ મહાદેવ સિંડિકેટના માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબ્રેવાલના માધ્યમથી ગેરકાયદેસર નાણાં પોતાની કંપનીઓમાં પહોંચાડતો હતો અને શેરબજારમાં હેરાફેરી કરતો હતો. આ કેસમાં EaseMyTripના પ્રમોટર નિશાંત પિટ્ટી પર પણ હરિશંકર તિબ્રેવાલ પાસેથી 59 કરોડ રૂપિયાની ગુનાહિત આવક મેળવવાનો આરોપ છે.

75,000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ અને બોલિવૂડ કનેક્શન

EDની ચાર્જશીટ અનુસાર, મહાદેવ ઓનલાઈન સિંડિકેટમાં ગેરકાયદેસર આવક 75,000 કરોડ રૂપિયાથી વધુની છે અને આ આંકડો હજુ વધી શકે છે. આ કેસમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિતના મુખ્ય પ્રમોટરો હજુ પણ ફરાર છે. અગાઉ પણ ED દ્વારા અનેક બોલિવૂડ હસ્તીઓ, અભિનેતાઓ અને ગાયકોને વિદેશી કાર્યક્રમો અને પ્રમોશનલ વીડિયો માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. હાલમાં ED આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.


Related Posts

Load more