Brazil–India Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા (Brazil–India Relations)વચ્ચે ફોન પર વાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ ગત મહિને પોતાની બ્રાઝિલ યાત્રાને યાદ કરી. બંને નેતાઓ વિવિધ મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત થયા. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ફોન કર્યો હતો. વડાપ્રધાને ગત મહિને તેમની બ્રાઝિલની મુલાકાતને યાદ (Brazil–India Relations)કરી હતી. જેમાં બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગને મજબૂત બનાવવા માટે સંમત થયા હતા. આ ચર્ચાઓના આધારે તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
થોડા દિવસ અગાઉ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, ‘લૂલા જ્યારે ઈચ્છે, મારી સાથે વાત કરી શકે છે.લૂલાએ આ પ્રસ્તાવને ઠુકરાવતા કહ્યું હતું કે, ‘હું ટેરિફ પર વાત કરવા માટે ટ્રમ્પને ફોન નહીં કરું. તેના બદલે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ જેવા નેતાઓ સાથે વાતચીત કરીશ.
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ અગાઉ અમેરિકાએ બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. બ્રાઝિલ તેના ઉકેલ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં જવા પર વિચાર કરી રહ્યું છે. લૂલાએ એમ પણ કહ્યું કે, ભલે ટ્રમ્પ સાથે તેમની વાતચીત ન થાય, પરંતુ તેઓ નવેમ્બરમાં થનારા COP-30 ક્લાઇમેટ સમિટમાં ટ્રમ્પને આમંત્રણ જરૂર આપશે.