Vadodara : વડોદરા શહેરમાં સતત ત્રીજે દિવસે પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસને અત્યાર સુધીમાં 9 બાંગ્લાદેશી હાથ લાગ્યા છે. તમામના દસ્તાવેજોની તપાસ કરી તેમને બાંગ્લાદેશ ડિપોટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. વડોદરા પોલીસની જુદી જુદી 15 ટીમો દ્વારા શંકાસ્પદ જણાતા લોકોને વેરિફિકેશન માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને જેમની રાષ્ટ્રીયતા મળી આવે છે તેઓને જવા દેવામાં આવે છે. કેટલાક શકમંદોના દસ્તાવેજોની તપાસ માટે પોલીસની એક ટીમ ટૂંક સમયમાં જ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં જશે.
વડોદરાના વિવિધ વિસ્તારોમાં 15 ટીમો દ્વારા 1700 શકમંદોની તપાસ
વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા 72 કલાકથી બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાની ઘૂસણખોરોને શોધવા જુદા જુદા વિસ્તારોમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં તાંદલજા, આજવા રોડ, નવા યાર્ડ, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ જેવા વિસ્તારોમાં 1700 લોકોને તપાસવામાં આવ્યા છે.
9 બાંગ્લાદેશીઓ પાસેથી બાંગ્લાદેશના કાગળ મળ્યા
પોલીસ કમિશ્નરે કહ્યું છે કે, ‘વડોદરામાં 9 બાંગ્લાદેશી મળી આવ્યા છે. જેમની પાસે જુદા જુદા દસ્તાવેજો મળી આવ્યા છે. આ તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ માટે અલાયદી ટીમ રચવામાં આવી છે. તેઓ વડોદરામાં ક્યારથી આવ્યા અને કયા રૂટ મારફતે આવ્યા છે.. તેમની સાથે બીજા કેટલા લોકો આવ્યા છે અને સગા સંબંધીઓ ક્યાં રહે છે તે તમામ માહિતી પોલીસ એકત્રિત કરશે’.
66 શકમંદોની તપાસ માટે પોલીસની ટીમ બંગાળની સરહદે પહોંચશે
વડોદરા પોલીસે તપાસ અભિયાન જારી રાખ્યું છે. આ દરમિયાન કુલ 66 શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા છે. જેમની પાસેથી મળેલા બંગાળની બોર્ડર વિસ્તારના પુરાવાની ખરાઈ કરવા માટે પોલીસની એક ટીમ ટૂંક સમયમાં જ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં જઈ તપાસ કરશે.