12 નવેમ્બરથી ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગામ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો ઝડપી બનાવાયા છે. વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડ્રિલિંગ એકસાથે કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે અત્યાર સુધી સારા પરિણામો મળ્યા છે, જો બધુ બરાબર રહ્યું તો આગામી 24 કલાકમાં સારા સમાચાર મળી શકે છે. દરમિયાન PM મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
ટનલની ઉપરથી 40 મીટર સુધી વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. હવે વધુ 46 મીટર કરવાનું છે. મજુરો સુધી પહોંચવા માટે 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવું પડશે.
બીજી તરફ, રેટ માઇનર્સને પણ હોરિઝોન્ટલ ડ્રિલિંગમાં સફળતા મળી છે. સોમવારે સાંજથી લગભગ 2 મીટર મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. ટનલ રેસ્ક્યુ માઈક્રો ટનલીંગ એક્સપર્ટ ક્રિસ કૂપરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે બચાવ કાર્ય ખૂબ જ સારું રહ્યું હતું. અમે 52 મીટર ડ્રિલિંગ પાર કર્યું છે. હવે માત્ર 7-8 મીટર ડ્રિલિંગ બાકી છે. અત્યાર સુધીના રેસ્ક્યુના પરિણામો ખૂબ જ સકારાત્મક છે.
CM ધામીએ કહ્યું કે મંગળવાર સવાર સુધી 52 મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. હવે ફસાયેલા કામદારોથી 7 થી 8 મીટરનું અંતર બાકી છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં ફેરફારને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઓ પડી શકે છે.
અહીં, રેસ્ક્યુ ટીમે સોમવારે સવારે 3 વાગ્યે સિલ્ક્યારા બાજુથી 13.9 મીટર અટવાયેલા ઓગર મશીનના લાંબા પાર્ટ્સ બહાર કાઢવામાં આવ્યા હતા. ઉત્તરાખંડ સરકારના સચિવ ડૉ. નીરજ ખૈરવાલે જણાવ્યું કે પાઈપમાં ફસાયેલા ઓગર મશીનની શાફ્ટ અને બ્લેડને કાપીને બહાર કાઢવામાં આવી છે. મેન્યુઅલ ડ્રિલિંગ કરતી વખતે રેટ માઈનર્સે પાઇપને 0.9 મીટર આગળ ધકેલી છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના અધિક સચિવ મહેમૂદ અહેમદે જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 36 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. મશીનની બ્લેડ કાટમાળમાં ફસાઈ જવાને કારણે 24 નવેમ્બરથી હોરિઝોન્ટલ ડ્રિલિંગ બંધ કરવામાં આવ્યું હતું.
PM મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તેમને બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી.