GTU students: જીટીયુ સંલગ્ન જીપેરી (ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સિટ્ટ્યુટ) કોલેજમાં 2022માં ડિગ્રી ઈજનેરી ગુજરાતીમાં શરૂ કરવામા આવ્યુ હતું. ચાર બ્રાંચમાં ગુજરાતીમાં અભ્યાસક્રમો શરૂ કરાયા હતા, પરંતુ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ જ ન મળતા અને ગત વર્ષે તો એક પણ બ્રાંચમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ જ ન લેતા અંતે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે, 2025-26થી ગુજરાતીમાં ઈજનેરીના અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જીટીયુ દ્વારા પોતાની સંલગ્ન જીપેરી ઈજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ વધે તે માટે જીટીયુ સાથેનું જોડાણ ધરાવતું નામ પણ કોલેજને આપવામાં આવ્યું છે.
જીટીયુએ સંલગ્ન કોલેજમાં ડિગ્રી ઈજનેરી શરૂ કરાયુ હતુંમહેસાણા જિલ્લામાં મેવડ ખાતે ચાલતી ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોલેજ વર્ષો સુધી ગુજરાત પાવર કોર્પોરેશન હેઠળ ચાલી હતી. પરંતુ આ કોલેજ બંધ થવાની હોવાથી સરકારે દરમિયાનગીરી કરતા આ કોલેજને સરકારી કરવા તજવીજ કરી હતી. સરકારી કોલેજ થાય તો સરકાર માથે કરોડોનો ખર્ચ વધે તેમ હતો જેથી જીટીયુને આ કોલેજ તે સમયે પધરાવી દેવામા આવી હતી એટલે કે જીટીયુને સરકારે આ કોલેજ 2020માં ચલાવવા સોંપી હતી. શરૂઆતમાં ચાર વર્ષ સુધી જીટીયુએ દર વર્ષે આ કોલેજમાં સ્ટાફના પગાર સહિતના ખર્ચ માટે 18 કરોડ ખર્ચ્યા હતા. પરંતુ અનેક રજૂઆતો બાદ અંતે સરકારે આચાર્ય સહિત અઘ્યાપકોની ટીચિંગ સ્ટાફ ભરતી અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે મહેકમની મંજૂરી આપી હતી. હવે આ કોલેજમાં આચાર્ય અને પાંચ અધ્યાપકોની જગ્યા સાથે કુલ 13 કાયમી જગ્યા ભરાશે અને આગામી સમયમાં વધુ 20 ટીચિંગ-નોન ટીચિંગ જગ્યા ભરાશે.આ જીપેરી કોલેજમાં અંગ્રેજીના ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમો સાથે ખાસ ગુજરાતીમાં ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમો શરૂ કરાયા હતા. જેમાં સિવિલ, કમ્પ્યુટર, મિકેનિકલ અને કમ્પ્યુટર સહિતની ચાર બ્રાંચમાં 30-30 બેઠકો સાથે ગુજરાતીમાં ડિગ્રી એન્જિનિયરિંગ શરૂ કરાયુ હતું. છેલ્લા ત્રણ વર્ષમાં આ ચાર કોર્સમાં વિદ્યાર્થી જ મળ્યા નથી. ટ્યુશન ફી વેવર સ્કીમ હેઠળ વિદ્યાર્થીોને ફી ભરવાની ન હોવા છતાં પણ આ સ્કીમમાં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા નથી. આમ ઈડબ્લ્યુએસ સાથેની 34 બેઠકો ખાલી જ રહેતી હતી. ગત વર્ષે પણ 34 બેઠકોમાંથી એક પણ બેઠક એક પણ કોર્સમાં ભરાઈ નથી. જેથી અંતે 2025-26થી ગુજરાતીમાં ઈજનેરી અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જીટીયુ દ્વારા જીપેરી કોલેજનું નામ પણ બદલી દેવાયું છે. જીટીયુ જ પાંચ વર્ષથી કોલેજ ચલાવતી હોઈ અને તમામ હંગામી સ્ટાફ ભરતી હોવા છતાં-ખર્ચા ઉપાડતી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પુરતા ન મળવા સાથે આવક ખર્ચા સામે થતી નથી. જેથી હવે આ કોલેજનું નામ બદલીને જીટીયુ સંલગ્ન કરી દેવામા આવ્યુ છે. જે મુજબ હવે આ કોલેજ જીટીયુ-આઈટીઆર (ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ) તરીકે ઓળખાશે.