19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે ક્ષત્રિયો

By: nationgujarat
15 Apr, 2024

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ રાજકોટ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ કરી ઉજવણી કરી છે. 22 વર્ષ બાદ રૂપાલાની લડત ધાનાણીની સામે છે. જોકે, રૂપાલા પહેલાથી જ ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ રાજકોટના રતનપમાં મહા દરબાર ભરીને અલ્ટીમેટમ આપી દીધું છે કે, 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે. ત્યારે ક્ષત્રિયોની આ ચમકી પાટીદાર આંદોલનની યાદ અપાવે છે. પાટીદાર આંદોલન બાદ જે રીતે ગુજરાત ભડકે બળ્યુ હતું તે જ રીતે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો ગુજરાત ફરી એકવાર મોટા આંદોલનનું સાક્ષી બની શકે છે.

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે
રાજકોટ ખાતે મળેલ ક્ષત્રિય મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ મળીને નિર્ણય કર્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પરસોત્તમ રૂપાલાને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે. ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલાની ટિકિટ પરત નહિ લેવાય તો અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાંસમગ્ર દેશભરમાંથી ક્ષત્રિયો એકત્રિત થશે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે.

ક્ષત્રિયોનો ગુજરાતમાં સત્તા પલટવાનો હુંકાર
રાજકોટના રતનપરમાં પરશોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનને વધુ આક્રમક બનાવવા અંગેની રણનીતિ બનાવાઈ હતી. સંમેલનને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. ક્ષત્રિયો સત્તા પલટવા માટે હંમેશા આગળ આવ્યા હોવાનો પણ હુંકાર ભર્યો છે.

ક્ષત્રિયોનું અલ્ટીમેટમ, 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ થશે 
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે.

GMDC ગ્રાઉન્ડ આંદોલનનું સાક્ષી
અમદાવાદનુ GMDC ગુજરાતના મહા આંદોલનનું સાક્ષી બની રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતમાંથી શરુ થયેલું અનામતની માગણી માટેનું આંદોલન હતું. જુલાઇ 2015 શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.


Related Posts

Load more