12મું ભણતી કામ્યાએ રચ્યો ઇતિહાસ, સાત ખંડના તમામ સૌથી ઊંચા શિખર સર કરી રૅકોર્ડ સર્જ્યો

By: nationgujarat
30 Dec, 2024

Kaamya Karthikeyan Scripts History: મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 12મા ધોરણમાં ભણતી કામ્યા કાર્તિકેયને ઇતિહાસ રચ્યો છે. તેણે સૌથી નાની ઉંમરે સાત ખંડોના સાત સૌથી ઊંચા શિખરો સર કરીને ઇતિહાસ રચી દીધો છે. 17 વર્ષીય પર્વતારોહીએ 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન શિખર પર પહોંચીને પોતાની અસાધારણ સિદ્ધિ પૂર્ણ કરી હતી. તેમના પિતા કમાન્ડર એસ. કાર્તિકેયનની સાથે તેણે ચિલીના માનક સમય પ્રમાણે સાંજે 5:20 વાગ્યે આ સિદ્ધિ મેળવી હતી.કામ્યાના રેકોર્ડ-બ્રેકિંગ આ સાહસિક કાર્યોમાં આફ્રિકામાં માઉન્ટ કિલિમંજારો, યુરોપમાં માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયામાં માઉન્ટ કોસિયસઝ્કો, દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એકોનકાગુઆ, ઉત્તર અમેરિકામાં માઉન્ટ ડેનાલી અને એશિયામાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું સામેલ છે, જે તેણે માત્ર 16 વર્ષની ઉંમરમાં સર કરી લીધા હતા. એન્ટાર્કટિકામાં તેમની જીતે હવે પ્રતિષ્ઠિત સેવન સમિટ ચેલેન્જને પૂર્ણ કરી છે.

નૌકાદળે કામ્યાને અભિનંદન પાઠવ્યા

ભારતીય નૌકાદળ શાળા અને તમામ ચાહકોએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કામ્યાને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નૌકાદળના પ્રવક્તાએ તેને એક ઇતિહાસ નિર્માતા તરીકે બિરદાવી, જ્યારે નેવી ચિલ્ડ્રન સ્કૂલ મુંબઈએ તેની સિદ્ધિને ખૂબ જ ગૌરવની ક્ષણ ગણાવી.

PM મોદી મન કી બાતમાં પ્રશંસા કરી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે, કામ્યાને એડવેન્ચરનો શોખ બાળપણથી જ શરુ થઈ ગયો હતો, જ્યારે તેણે સાત વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કર્યું હતું. ત્યારથી તેમની દૃઢતા અને સમર્પણે તેને અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડી. તેમને 2021માં વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાત સંબોધનમાં તેમની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: અંબાજીના ભક્તો માટે ગૂડ ન્યૂઝ, અમદાવાદથી ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, 20% કામગીરી પૂર્ણ

એન્ટાર્કટિકામાં તેના ચઢાણનું વર્ણન કરતાં કામ્યાએ માઉન્ટ વિન્સન મેસિફની કઠોર પરિસ્થિતિઓનું વર્ણન કરતાં કહ્યું કે, ‘16,050 ફૂટની બર્ફિલી જમીન, તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું અને આશ્ચર્યજનક તેજ ગતિના પવન છતાં તેણે મક્કમપણે ચઢાણ ચાલુ રાખ્યું હતું. આ મારી દૃઢતાની અંતિમ કસોટી છે એમ મેં માન્યું હતું. માઉન્ટ વિન્સન મેસિફ પર ચડવું એ મારા વર્ષોથી જોયેલા સ્વપ્નની સિદ્ધિ છે. સાત ખંડોની મારી યાત્રાની આ સૌથી મોટી સિદ્ધિ છે.’


Related Posts

Load more