1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક ચૂકતુ ભાજપ : અનેક રાજયોમાં 50 ટકા પણ સભ્યો બન્યા નથી

By: nationgujarat
02 Oct, 2024

નવીદિલ્હી,તા.2
લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી નહી મળતા મોરચા સરકારની રચના બાદ તેની સામે પડકાર વધી રહ્યા છે અને હરિયાણામા ભાજપ કપરા ચઢાણનો સામનો કરી રહ્યુ હોય તેવા સંકેત છે. તે વચ્ચે પક્ષ દ્વારા દેશભરમાં જે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો છે તેમાં 1 કરોડ સભ્ય બનાવવામા પણ ભાજપ હાંફી ગયો હોય તેવા સંકેત છે.

તેથી રાષ્ટ્રીય નેતૃત્વએ ફરી એક વખત રાજયોના સંગઠન ઉપર પસ્તાળ બોલાવી છે. જો કે ઉતરપ્રદેશ અને આસામ બે રાજયો એવા છે જયાં  પક્ષનો દેખાવ સારો રહ્યો છે. ભાજપે તા.2 સપ્ટેમ્બરથી તેનુ સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતુ અને 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ સમયે 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ મોટાભાગના રાજયોમાં ભાજપનુ સંગઠન તેમ કરવામા નિષ્ફળ નિવડયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મેમ્બરશીપ રીન્યુ કરાવી હતી અને તે સમયે પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડાએ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ભાજપને પુન: સ્થાપવા માટે અપીલ કરી હતી. પરંતુ તેમા હવે પક્ષને જબરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 25 સપ્ટેમ્બર સુધીમાં ભાજપને 1 કરોડ સભ્ય બનાવવાના હતા.

જેમાં અત્યાર સુધીમાં ફકત 83 લાખ સભ્યો બન્યા છે. જયારે ઉતરપ્રદેશ એકમાત્ર એવુ રાજય છે જે તેના 25 સપ્ટેમ્બરની ડેડલાઈન વટાવી શકયુ છે અને પૂરી સદસ્યતા અભિયાન દરમ્યાન 20 લાખ સભ્યો બનાવવાના લક્ષ્યાંક સામે 15 લાખ સભ્યો બનાવી દીધા છે અને હજુ એક માસનો સમય બાકી છે.

આ ઉપરાંત ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશે પોતાનો લક્ષ્યાંક પાર પાડયો છે. ગઈકાલે જ પટણામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં પણ સભ્ય નોંધણી ઝુંબેશમાં ઢીલાશ સામે ચિંતા વ્યકત કરી હતી. રાજસ્થાન અને બિહાર એ બંને રાજયો એવા છે  જયાં ભાજપ સંગઠન સભ્ય બનાવવામાં સૌથી પાછળ છે.

આ બંને પ્રદેશોમાં ભાજપની સરકાર છે. ડીસેમ્બર માસમાં જ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 115 બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં ભાજપને 55 લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જેની સામે 26 લાખ જ નોંધાયા હતા. જયારે બિહારમાં 65 લાખ સભ્યોનો લક્ષ્યાંક છે જેની સામે 32 લાખ સભ્યો જ નોંધી શકી છે.

આવી રીતે તેલંગણામાં પણ ભાજપની હાલત નબળી છે. જો કે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ તેના લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છે. ઉતરપ્રદેશ અને આસામ બાદ ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.  જો કે નાના રાજયોએ બાજી મારી છે.


Related Posts

Load more