હેન્ડશેક વિવાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજે બેન સ્ટોક્સને ‘મૂર્ખ’ ગણાવ્યો, જાડેજા-સુંદર વિશે જુઓ શું કહ્યું?

By: nationgujarat
28 Jul, 2025

India vs England: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈગ્લેન્ડને માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કરાવવા માટે મજબૂર કરી દીધી. ટીમના સૌથી સિનિયર બેટર કે.એલ. રાહુલ, કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની જબરદસ્ત બેટિંગને કારણે મેચને ડ્રો કરી દીધી. જો કે, મેચ પૂર્ણ થવામાં એક કલાક બાકી હતો, ત્યારે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચ ડ્રો કરવા કહ્યું હતું. આ મામલે વિવાદ સર્જાયા બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને બેન સ્ટોક્સને મૂર્ખ ગણાવ્યો હતો.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર નાસીર હુસૈને શું પ્રતિક્રિયા આપી

ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને ચોથી ટેસ્ટ મેચ વહેલી પૂર્ણ કરવા બેન સ્ટોક્સની ઓફરને ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર દ્વારા નકારી કાઢ્યા પછી હેરી બ્રુકને બોલિંગ આપવાના બેન સ્ટોક્સના નિર્ણયને મૂર્ખ ગણાવ્યો. તેમણે કહ્યું કે ‘રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સદી ફટકારવાના હકદાર હતા.’

રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર અંગે નાસીર હુસૈને જણાવ્યું કે, ‘ ઈંગ્લેન્ડ ટીમને જાડેજા અને સુંદરનું બેટિંગ ચાલુ રાખવા પર કોઈ સમસ્યા હોય તેવું લાગતું હતું. જોકે, ટીમ થોડી થાકેલી હતી, બોલરો પણ થાકેલા હતા તેથી તે મેદાન છોડીને જવા માંગતા હતા, પરંતુ બંને ખેલાડીઓએ 80 અને 90 રન સુધી પહોંચવા માટે સખત મહેનત કરી અને તે ટેસ્ટ મેચમાં સદી ફટકારવા માંગતા હતા.’

ભારત-ઈંગ્લેન્ડની મેચ ડ્રો

મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 358 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જો રૂટ અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી 669 રન બનાવ્યા અને ભારત પર 311 રનની લીડ મેળવી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 0 પર 2 વિકેટ ગુમાવી દીધી. પરંતુ ભારતીય બેટર કે.એલ. રાહુલ, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગના આધારે આ મેચ ડ્રો થઈ હતી.ચોથા દિવસના બે સેશન અને પાંચમા દિવસના ત્રણેય સેશન ભારતના નામે રહ્યા. ભારતીય ટીમે ચોથી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા અને મેચ ડ્રો કરી. ભારત માટે શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી હતી.


Related Posts

Load more