સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગ પર જાણે નજર લાગી હોય તેવી સ્થિતિ બની ગઈ છે. બજારમાં ડિમાન્ડ નહિ નીકળતા સુરતના કેટલાક યુનિટો દ્વારા હાલ કામના કલાકો ઘટાડી શનિ-રવિની રજા મુકવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની ડિમાન્ડ નહીં રહેતા સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે.ડાયમંડ ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે હીરા કારખાનાઓમાં શનિ-રવિની રજા મુકવામાં આવી રહી છે. સુરતની ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં પણ માલ ખૂટી પડ્યો છે. જ્યાં હાલ ડાયમંડ ઉદ્યોગ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. કોરોના સમયે ઓલ ટાઈમ હાઇ-ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે.
કેટલાક કારખાનાઓમાં 1 થી 2 કલાક કામનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. આ અંગે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા એ જણાવ્યું છે કે, સુરતના હીરા ઉદ્યોગને છેલ્લા દોઢ વર્ષથી મંદિનું ગ્રહણ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની ડિમાન્ડ ન હોવાના કારણે હાલ મંદીનો માહોલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલ યુદ્ધ પણ મંદી માટે એક જવાબદાર પરિબળ છે. આ સાથે રશિયાની અંદર સપ્લાય થતી રફ પર પણ કટ ઓફ થયું છે.જેની પાછળ અમેરિકા અને રશિયા ઉપર લગાવાયેલા આર્થિક પ્રતિબંધો જવાબદાર છે.