Himmatnagar Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ વાયરસને કારણે ૩ દર્દીઓના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલની સ્થિતિ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત 26 જૂનના રોજ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ અત્યાર સુધી કુલ 7 દર્દીઓએ અહીં સારવાર લીધી છે. હોસ્પિટલના આંકડા મુજબ કુલ 7 પૈકી ૩ દર્દીઓના મોત થયા છે. હાલ 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. એક દર્દીએ રજા (ડિસ્ચાર્જ) લીધી છે અને એક દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. મૃત્યુ પામેલા ૩ દર્દીઓ અંગેની વિગતો એવી છે કે, એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો, એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે ત્રીજા દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ હતો.
રાજસ્થાનના 6 વર્ષના બાળકનું મોત
ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા દર્દીઓમાં હવે અન્ય રાજ્યોના બાળકોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં રાજસ્થાનથી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા ૬ વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે. આ બાળક ચાર દિવસ અગાઉ જ સારવાર માટે અહીં દાખલ થયું હતું. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી તપાસ અને દેખરેખની કામગીરી તેજ કરી દીધી છે.
આરોગ્ય વિભાગની કામગીરી
હિંમતનગર સિવિલમાં હાલ ૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી એક બાળકના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અન્ય બે બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વધતા જતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો, તકેદારીના પગલા
ચાંદીપુરા વાયરસ માખીઓ અને મચ્છરો દ્વારા ફેલાઈ શકે છે, તેથી વાલીઓને સલાહ આપવામાં આવે છે કે બાળકોમાં તાવ કે અન્ય લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે.