હાલોલ પાલિકાએ દરોડા પાડી 50 હજાર Kg પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત, ટોળાને વિખેરવા પોલીસનો સહારો લેવો પડ્યો

By: nationgujarat
20 Jan, 2025

Halol Nagarpalika Raid : હાલોલ પંથકમાં અવાર-નવાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરતાં વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે. જેમાં ઘણીવાર વેપારીઓ 120 માઇક્રોન કે 75 માઇક્રોન લખેલી થેલીઓ ખરીદતાં હોય છે, પરંતુ જ્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે ઓછા માઇક્રોનવાળી થેલીઓ નીકળતી હોય છે. ત્યારે આજે સોમવારે નગરપાલિકા દ્વારા ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમમાં દરોડા પાડી 50 હજાર કિલો ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ જી.આઇ.ડીસી.માં ઓછા માઇક્રોન વાળી પ્લાસ્ટિકની થેલીઓ મામલે નગરપાલિકા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નક્કી માપદંડ કરતાં ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ હોવાછતાં બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. ત્યારે હાલોલ પાલિકા જીપીસીબી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમમાં દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાએ 50 હજાર કિલો ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડ દરમિયાન મળી આવેલા પ્લાસ્ટિકના જથ્થામાં 120 માઇક્રોન લખેલું હતું, પણ તે 20 માઇક્રોનનું જ પ્લાસ્ટિક હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.

રેડ દરમિયાન દરમિયાન કેટલાક લોકોએ કામગીરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થઇ જતાં પોલીસનો સહારો જેવો પડ્યો હતો. પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પણ તંત્રની કામગીરી જારી રહેશે તો મોટી માત્રામાં  ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક મળવાની સંભાવનાઓ છે.

Related Posts

Load more