એશિયા કપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. 2 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે આ ટુર્નામેન્ટનો સૌથી હાઇ વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે પલ્લેકેલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ મેચ પર વરસાદનાં ઘેરાં વાદળો છવાયેલાં છે. જો આ સંભાવનાઓ સાચી સાબિત થશે તો આ મેચને સંપૂર્ણ રીતે રમવી મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે જો ભારત Vs પાકિસ્તાન મેચ વરસાદને કારણે રદ થશે તો એનો ફાયદો કઈ ટીમને મળશે? શું ભારત-પાક. મેચ માટે કોઈ રિઝર્વ-ડે છે? તો જાણો આ સવાલોના જવાબો…
ભારત-પાક. મેચમાં છે વરસાદની સંભાવના
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ વોલ્ટેજ મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ મેચના દિવસે વીજળી પણ પડી શકે છે એવા અહેવાલો આવ્યા છે. ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની 80 ટકા સંભાવના છે, જે ખરેખર ઘણી વધારે છે. હવામાનની આગાહી અનુસાર, બપોરે વરસાદની સંભાવના 83% અને રાત્રે 75% છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિક્ષેપ પડે એવી પ્રબળ સંભાવના છે. આ મેચ ODI ફોર્મેટમાં રમાવાની છે, પરંતુ જો વરસાદ પડે તો ઓવર ઓછી કરવી પડી શકે છે. ભેજ 80%-91% હોઈ શકે છે, તાપમાન 21થી 27 ડીગ્રી વચ્ચે હોઈ શકે છે અને પવન 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
જો મેચ રદ થશે તો શું થશે?
જ્યારથી વરસાદના સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે જો મેચ વરસાદને કારણે રદ થશે તો કઈ ટીમને ફાયદો થશે? તમને જણાવી દઈએ કે જો ભારત-પાકિસ્તાન મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમ વચ્ચે 1-1 પોઇન્ટ વહેંચવામાં આવશે. હા, ભારત Vs પાકિસ્તાન મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. એટલું જ નહીં, જો વરસાદને કારણે બંને ટીમ 1-1 પોઇન્ટ મેળવે છે તો બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ સીધી સુપર-4માં પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ભારતને પછીની નેપાળ સામેની મેચ જીતવી જ પડશે, તો જ તે સુપર-4માં સ્થાન મેળવશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમે પોતાની પ્રથમ મેચ નેપાળ સામે રમી હતી અને 238 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી.
જો મેચ રમાશે અને ભારતની સામે પાકિસ્તાન હારી જશે તો પછી તેમને નેપાળ અને ભારત મેચના પરિણામની રાહ જોવી પડશે, પરંતુ જો ભારત અને પાક. મેચ રદ થશે, તો પાકિસ્તાનની ટીમ સીધી સુપર-4માં એન્ટ્રી કરશે.