ગાંધીનગરઃ એલઆરડી બાદ હવે PSIની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. જ્યારે એલઆરડીની જેમ જ દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. આ ઉપરાંત વજન પણ ધ્યાન પર લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે, જ્યારે બીજું પેપર 100 માર્કનું રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.
ત્રણ તબ્બક્કાની જગ્યાએ હવેથી માત્ર બે તબક્કામાં જ ભરતી પરીક્ષા લેવાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે. શારીરિક કસોટીમાં દોડ હવે ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ વધારાના ગુણ અપાશે નહિ. મુખ્ય પરીક્ષામાં ૪૦૦ ગુણના ચાર MCQ પેપરની જગ્યાએ હવેથી ૩૦૦ ગુણના બે જ પેપર રહેશે; ૨૦૦ ગુણનું MCQ તેમજ ૧૦૦ ગુણનું વર્ણનાત્મક રહેશે. ૪૦ ટકા ગુણ ફરજિયાત છે.
અગાઉ સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની ભરતીમાં પ્રથમ શારીરિક કસોટી ત્યારબાદ પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી હતી. જેના બદલે હવેથી પ્રથમ શારીરિક કસોટી અને ત્યારબાદ સીધી મુખ્ય પરીક્ષા એમ માત્ર બે તબક્કામાં જ પરીક્ષા લેવામાં આવશે. સાથે જ પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટીમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહિ.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જેને રદ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના શારીરિક ધોરણો લોકરક્ષક દળની સમાન જ રાખવામાં આવ્યા છે. એટલે કે, ઉમેદવારોએ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાય કરવાની રહેશે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.
શારીરિક કસોટી બાદ લેવામાં આવતી ૧૦૦ ગુણની પ્રાથમિક પરીક્ષાની જગ્યાએ હવે સીધી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. અગાઉ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને લીગલ મેટર્સ એમ ૧૦૦-૧૦૦ ગુણના ચાર પેપર મળી કુલ ૪૦૦ ગુણની MCQ પરીક્ષા લેવામાં આવતી હતી, તેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી કુલ ૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં પ્રથમ પેપર ૨૦૦ ગુણનું MCQ આધારીત રહેશે, જ્યારે દ્વિતીય પેપર ૧૦૦ ગુણનું વર્ણનાત્મક રહેશે. આ બંને પેપર માટે ૩-૩ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પેપર-૧ સામાન્ય અભ્યાસનું રહેશે, જેમાં ૧૦૦-૧૦૦ ગુણના બે ભાગ રહેશે. પાસ થવા માટે દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-૨ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યનું રહેશે, જેમાં પણ ૭૦ અને ૩૦ ગુણના બે ભાગ રહેશે. આ પેપરમાં પાસ થવા માટે ૧૦૦ માંથી ૪૦-૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે, પેપર-૨ વર્ણનાત્મકમાં ૧૦૦ ગુણમાંથી ૪૦ ટકા ગુણ લાવવાના રહેશે તેવો પણ નિયમ કરવામાં આવ્યો છે.
જૂની પરીક્ષા પદ્ધતિના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ સામાન્ય અભ્યાસના પ્રથમ પેપરમાં રીઝનીંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વાન્ટેટેટીવ એપ્ટીટ્યુડ, ભારતનું બંધારણ, જાહેર વહીવટ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, કરંટ અફેર્સ, સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષય રાખવામાં આવ્યા છે.
પહેલા સબ-ઈન્સપેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કોર્ષ કર્યો હોય તેવા ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. નવા સુધારા પ્રમાણે હવેથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ઉપરાંત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્ષ કર્યો હોય તેવા ઉમેદવારોને પણ કોર્ષના સમયગાળાને આધારે વધારાના ગુણ આપવામાં આવશે. બંનેમાંથી કોઈપણ યુનિવર્સીટીમાંથી એક વર્ષનો કોર્ષ કર્યો હોય તેવા ઉમેદવારને ૦૫ ગુણ, બે વર્ષના કોર્ષ માટે ૦૯ ગુણ, ત્રણ વર્ષના કોર્ષ માટે ૧૨ ગુણ તેમજ ચાર કે તેથી વધુ વર્ષનો કોર્ષ કર્યો હોય તેવા ઉમેદવારને વધારાના ૧૫ ગુણ આપવામાં આવશે. આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.