હવે ચોમાસામાં દાળવડા ખાવા મોંઘા પડશે

By: nationgujarat
29 Jul, 2024

રાજકોટ : અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં 15 દિવસમાં કુલ 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા 15 દિવસમાં રૂ. 80નો વધારો થયો છે. 15 કિલોનો ડબ્બો 2720 રૂપિયા હતો, જે વધી 2800 રૂપિયા થયો છે. ચોમાસાને કારણે સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક લગભગ નહિવત જેવી છે. ઓઇલ મિલમાં પિલાણ કરવા માટે કાચા માલનો ઓછો સ્ટોક હોવાને કારણે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેવું વેપારીઓનુ કહેવું છે.

બે મહિનમાં ક્યારે કેટલો વધારો થયો 

  • 29 જુલાઈ – 80 રૂપિયાનો વધારો
  • 16 જુલાઈ – 40 રૂપિયાનો વધારો
  • 4 જુલાઈ – 70 રૂપિયાનો વધારો
  • 29 જુન – 30 રૂપિયાનો વધારો
  • 5 મે- 10 રૂપિયાનો વધારો

એક તરફ સિંગતેલનો ભાવ ભડકો કરાવી રહ્યું છે, તો બીજી તરફ, શાકભાજીના ભાવ ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. એક સમયે 100 થી 120 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. ટામેટાના ભાવ 60-80 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. જોકે અન્ય શાકભાજીઓના ભાવ હજી પણ આસમાને પહોંચ્યા છે. 120 રૂપિયા કિલો વેચાતું ફ્લાવર અને 100 -80 રૂપિયા કિલો વેચાતા ભીંડાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. 120-100 રૂપિયા કિલો વેચાતા ટિંડોળા અને પાપડી ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બનયો છે. તો ફણસી 120-160 રૂપિયા કિલો, ગવાર 140-150 રૂપિયા કિલોએ પહોંચ્યું છે. જો કે હજી ગૃહણીઓમાં શાકભાજીમાં રાહત મેળવવાની આશા છે.


Related Posts

Load more