રાજયના મોટાભાગનાં શહેરો તથા હાઈવેનાં ભંગાર રોડ મામલે સરકાર તંત્ર પર માછલા ધોવાતા હોય છે.બિસ્માર રસ્તાઓને કારણે પ્રાણઘાતક અકસ્માતો થાય છે. રાજયમાં સૌથી ખરાબ અને જીવલેણ રસ્તા અમદાવાદનાં હોય તેમ એક જ વર્ષમાં 870 લોકોનો ભોગ લેવાયો છે. સમગ્ર રાજયમાં અકસ્માતમાં જાન ગુમાવનારા પૈકી 11 ટકા માત્ર અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં 535 તથા જીલ્લામાં 375 લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા.
ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની બેઠકમાં માર્ગ અકસ્માતોની સમીક્ષા દરમ્યાન ચિંતાજનક તારણો રજુ થયા હતા.માથાદીઠ અકસ્માતોની સંખ્યા સૌથી વધુ મોરબીમાં છે.જયાં દર એક લાખની વસ્તીએ 21.43 લોકો ભોગ બન્યા હતા.બીજા ક્રમે ગાંધીનગર જીલ્લામાં એક લાખની વસતીએ 19.40 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
રોડ સેફટી ઓથોરીટીના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2023 માં 3628 ટુ-વ્હીલર ચાલકોનો અકસ્માતમાં ભોગ લેવાયો હતો. તેમાંથી 24 ટકા ટુ-વ્હીલરનાં અકસ્માત કાર સાથે અને 22 ટકાના ટ્રક સાથે થયા હતા. લાલબતીરૂપ બાબત એ છે કે અકસ્માતમાં મોતને ભેટેલા 46 ટકા ટુ-વ્હીલર પર સવારી કરનારા છે.
માર્ગ પરથી પગપાળા પસાર થનારા પણ સલામત ન હોય તેમ 1757 રાહદારીઓનો પણ અકસ્માતમાં ભોગ લેવાયો હતો.ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં કુલ 7854 લોકોનો ભોગ લેવાયો તેમાં રાહદારીઓ 22 ટકા હતા.28 ટકા કારની ટકકરે અને 18 ટકા ટ્રકની ઠોકરે મોતને ભેટયા હતા.
ઓથોરીટીએ રીપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે 2023 ના પ્રથમ છ માસ કરતાં ચાલુ વર્ષનાં પ્રથમ છ માસમાં પ્રાણઘાતક માર્ગ અકસ્માતોની સંખ્યા ઓછી થઈ છે તે પાછળનું કારણ અસરકારક ટ્રાફીક મેનેજમેન્ટ છે.2023 ના પ્રથમ છ માસમાં 4235 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. તે સંખ્યા ચાલૂ વર્ષે 3899 રહી છે.
ગુજરાતમાં 2023 ના વર્ષમાં માર્ગ અકસ્માતમાં કુલ 7854 લોકોનો ભોગ લેવાયો હતો. દર એક લાખે 13 લોકો અકસ્માતમાં જાન ગુમાવી રહ્યા છે. વસતીના ધોરણે સૌથી વધુ જીવ ગુમાવનારામાં મોરબી-ગાંધીનગર પ્રથમ બે સ્થાને છે ત્યારબાદ તાપી (19.21 ટકા), ભરૂચ (18.83 ટકા) તથા વલસાડ (18.35 ટકા) છે.
સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 535 મોત અમદાવાદમાં થયા હતા.બીજા ક્રમે સુરત ગ્રામ્યમાં 494, અમદાવાદ ગ્રામ્યમાં 335, બનાસકાંઠામાં 327, વડોદરા ગ્રામ્યમાં 315, વલસાડમાં 313, સુરત શહેરમાં 309, ભરૂચમાં 292, દાહોદમાં 274 તથા ગાંધીનગરમાં 270 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.