મહેસાણા: નાસાએ જાહેર કર્યું છે કે અવકાશમાં ફસાયેલ સુનિતા વિલિયમ આગામી ફેબ્રુઆરી 2025 માં પરત ફરી શકે છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ અવકાશમાં અટવાઈ છે જેની સૌથી વધુ ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી રહે છે સુનિતા વિલિયમ્સના વતન એવા મહેસાણાના ઝુલાસણ ગામે અત્યારે હોમ હવન પ્રાર્થના અને રામધૂન કરી સુનિતા વિલિયમ્સ સત્વરે સહી સલામત પરત ફરે એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે સૌ કોઈ ચિંતા કરી રહ્યું છે ત્યારે સૌથી વધુ ચિંતા તો સુનિતા વિલિયમ્સના વતનવાસીઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે મહેસાણાના ઝુલાસણ ગામની વતની સુનિતા વિલિયમ્સ ના આ વતનમાં હવન હોમ પ્રાર્થના અને રામધુન કરી સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ માટે અને સત્વરે પરત ફરે તેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં દર રવિવારે લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તો રોજ સાંજે પ્રાર્થના રામધૂન અને ભજન પણ કરવામાં આવી રહ્યા છે.
અગાઉ નાસાએ જાહેર કર્યું હતું કે 13 જુને સુનિતા વિલિયમ્સ પરત ફરશે પરંતુ ટેકનિકલ ખામીને કારણે હજુ સુધી સુનિતા વિલિયમ્સ પરત કરી શકી નથી ત્યારે હવે ફરીથી નાસાએ જાહેર કર્યું છે કે સુનિતા વિલિયમ્સ આગામી ફેબ્રુઆરી 2025 માં પરત ફરશે. ત્યારે ગ્રામજનોની લાગણી છે કે સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરીમાં નહીં પરંતુ તેની પહેલા જાન્યુઆરી કે ડિસેમ્બરમાં જ ધરતી પર પરત ફરે.
ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે. સુનિતા વિલિયમ્સ આ ગામમાં દોલા માતાજી મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતાં એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યાર બાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યાં હતાં અને ત્યાર બાદ ઝુલાસણ ખાતે દાંલા માતાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે ફરીથી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ જતા પવિત્ર શ્રાવણ મહિનામાં વતનવાસીઓ સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો ગામની દીકરીઓ પણ સુનિતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી એટલે કે એસ્ટ્રોનોટ બનવા સપના સેવી રહી છે.
આમ આજે સમગ્ર દેશ દુનિયાની નજર અવકાશમાં છે કે સ્પેસ મિશન પર ગયેલ સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને સુનિતા વિલિયમ્સ ક્યારે સહી સલામત પરત ફરે. જોકે દેશ દુનિયા કરતાં પણ સૌથી વધુ ચિંતા તેના વતનવાસીઓ ઝુલાસણ ગામજનો કરી રહેલા નજરે પડી રહ્યા છે. હવે આશા રાખીએ કે નાસા દ્વારા ચોથી વખત ફેબ્રુઆરી 2025 માં સુનિતા વિલિયમ પરત ફરે તેવી જાહેરાત કરાઈ છે તે મુજબ સુનિતા વિલિયમ્સ પરત પણ આવી જાય.