સ્પામ કોલને લઇને TRAIની મોટી કાર્યવાહી, 2.75 લાખ મોબાઇલ નંબર કર્યા બંધ

By: nationgujarat
04 Sep, 2024

સ્પામ કૉલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરતા 2.75 લાખ મોબાઇલ નંબરો ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે અને 50 કંપનીઓની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આ કાર્યવાહી કરી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ કંપનીઓને રજિસ્ટ્રેશન વગરની ટેલી-માર્કેટિંગ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા અને તેમના નંબર બ્લોક કરવા જણાવ્યું હતું. ટ્રાઈએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ફેક કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. 2024ના પ્રથમ છ મહિનામાં અનરજિસ્ટર્ડ ટેલી-માર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

ટ્રાઈએ કહ્યું કે આને રોકવા માટે 13 ઓગસ્ટ, 2024ના રોજ તમામ એક્સેસ પ્રોવાઈડર્સને કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી અને તેમને રજીસ્ટ્રેશન વગરની ટેલી-માર્કેટિંગ ફર્મ્સને તાત્કાલિક અંકુશમાં લેવા માટે કહેવામાં આવ્યું હતું.

ટ્રાઈએ કહ્યું હતું કે “આ નિર્દેશોને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ નકલી કોલ માટે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ સામે કડક પગલાં લીધા છે.” તેઓએ 50 થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે અને 2.75 લાખથી વધુ SIP DIDs/મોબાઈલ નંબર્સ/ટેલિકોમ સંસાધનોને બ્લોક કર્યા છે. આ પગલાંથી નકલી કૉલ્સ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

સાયબર ક્રાઈમને રિપોર્ટ કરવાની સલાહ

ટ્રાઈએ કહ્યું કે સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડી જેવા મામલાઓમાં નાગરિકોએ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચક્ષુ સુવિધા પર રિપોર્ટ કરવા જોઇએ. આ સિવાય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ આવા શંકાસ્પદ કોલની માહિતી આપવી જોઈએ.

દૂરસંચાર વિભાગના નવા નિયમો લાગુ થવાથી બનાવટી લિંક ધરાવતા સંદેશાઓ અને કૉલ્સ પર અંકુશ લગાવી શકાશે. જો કે, હજુ સુધી ઘણા ટેલિમાર્કેટર્સે તેમના સંદેશ નમૂનાઓને વ્હાઇટલિસ્ટ કરાવ્યા નથી, જેના કારણે નવો નિયમ લાગુ થયા પછી યુઝર્સને OTP ધરાવતા સંદેશાઓ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે અને ઓનલાઇન ચુકવણી વગેરે કરવામાં તકલીફ થઈ શકે છે. દૂરસંચાર નિયામકે યુઝર્સની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને હવે આની સમયમર્યાદા 1 મહિના એટલે કે 30 દિવસ માટે વધારી દીધી છે. હવે આ નિયમ 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે.


Related Posts

Load more