સુરત APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ, ચાઈનીઝ લસણના જથ્થાનો કરાયો નાશ

By: nationgujarat
08 Jan, 2025

ગુજરાતમાં દિવસેને દિવસે નકલીની ભરમાર જાણે વધતી જાય છે. નકલી ગરમ મસાલા, નકલી ઇનો, નકલી જીરુ, નકલી મીઠુ પછી હવે નકલી લસણ પકડાયુ છે. સુરત APMCમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયુ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઇ શકે છે.

ભારતમાં ચાઇનીઝ લસણ પર છે પ્રતિબંધ

વર્ષ 2014થી ચાઈનીઝ લસણના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ છે. કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સુરત APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ છે. જેની કિંમત દસ લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ તેમજ લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે, ત્યારે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી છે.

ચાઇનીઝ લસણના જથ્થાનો કરાયો નાશ

સુરત એપીએમસીએ 2150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો છે. સાથે જ આ લસણ કેવી રીતે અહીં પહોંચ્યુ તે અંગેની તપાસ શરુ કરી છે. ચાઇનીઝ લસણ અહીં પહોંચાડનાર આરોપીઓને શોધવા પણ પોલીસે તપાસ તેજ કરી છે.

ચાઇનીઝ લસણથી કેન્સરનું જોખમ વધે છે

સૌથી મહત્વની વાત એ છે કે ચાઈનીઝ લસણ ઉગાડવામાં મેટલ, સીસું અને ક્લોરિનનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.

આ રીતે ઓળખવું અસલી અને નકલી લસણ

  • લસણ ખરીદતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે અસલી અને નકલી લસણની ઓળખ કરી શકો છો.
  • સૌથી પહેલા જો બજારમાં સફેદ અને જાડું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળો.
  • દેસી લસણની કળીઓ થોડી નાની હોય છે અને તેના પર દાગ-ઘબ્બા દેખાતા હોય છે અને છાલ એકદમ સફેદ હોતી નથી.
  • દેસી લસણની ઓળખ એ છે કે જો તમે લસણને ફેરવો અને નીચેના ભાગ પર ડાઘ જુઓ તો તે સાચું લસણ છે.
  • જો લસણ જોયા પછી પણ તે સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઈનીઝ લસણ હોઈ શકે છે.

Related Posts

Load more