Science Students In Gujarat: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે.
ગુજરાત સરકારે નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કર્યો
ધોરણ 12 સાયન્સાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. મહત્ત્વનું છે કે સીબીએસઈ દ્વારા ધોરમ 12 સાયન્સના વિદ્યાર્થીને આઈસોલેટેડ વિદ્યાર્થી તરીકે મુખ્ય વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. જેથી ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે નિયમો સુધાર્યા છે.
શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે. જેમાં નવી ઉમેરાયેલી જોગવાઈ મુજબ ધોરણ 12 સાયન્સ ગ્રૂપ-B સાથે પાસ થયા બાદ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા બાદ પછીની તરતની પુરક પરીક્ષા-પુનઃપરીક્ષામાં અથવા પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા કે પુરક પરીક્ષામાં પૃથ્થક ઉમેદવાર તરીકે ગણિત વિષયની અલગથી પરીક્ષા આપી શકશે. મહત્ત્વનું છે કે હાલ સીબીએસઈ દ્વારા પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી-મેથ્સ વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી વિષયની પરીક્ષા અલગથી આપી નીટ માટે ક્વોલિફાઈ થઈ શકે છે.
ધો.11 સાયન્સ કોઈ પણ ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ ધો.12માં બદલી શકાશે
ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને કરેલા મહત્ત્વના અન્ય ફેરફારો મુજબ બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃપરીક્ષાર્થી વિષય જુથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. આ ઉપરાંત ધો.12 સાયન્સમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રીપિટર તરીકે ગ્રૂપ-Bના બદલે ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB પસંદ કરી પરીક્ષા આપી શકશે. ધોરણ 11 સાયન્સમાં હાલ વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રૂપ A, B કે એબીમાંથી કોઈ પણ ગ્રૂપમાં બદલીને ફેરફાર કરી શકે છે. પરંતુ હવે નવી જોગવાઈ મુજબ 11 સાયન્સનો વિદ્યાર્થી બીજા સત્રના અંત સુધીમાં ગ્રૂપ બદલી શકશે. તેમજ ધોરણ 11 સાયન્સ કોઈ પણ ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ ધોરણ 12 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી શકશે કે બદલી શકશે. એટલે કે ધોરણ 11-A ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં B ગ્રૂપ અથવા ધોરણ 11-B ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં A ગ્રૂપ રાખી શકાશે.