સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો, 13 એપ્રિલ બાદ આ વિઝા મળશે નહીં

By: nationgujarat
07 Apr, 2025

Saudi Arabia visa ban: સાઉદી અરેબિયાની સરકારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત કુલ 14 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધ ટૂંકસમયમાં શરૂ થનારી હજ યાત્રાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પવિત્ર હજ કરવા આવતાં યાત્રાળુઓને અગવડ ન પડે તે હેતુ સાથે 14 દેશોના લોકો પર અમુક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી જૂનના મધ્ય સુધી લાગુ રહેશે. નવી ગાઈડલાઈન્સ અનુસાર, ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝા હાલ હજ પૂરતાં બંધ રહેશે. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાએ આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતા કરી નથી.

કેમ વિઝા પર મૂકાયો પ્રતિબંધ

ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ પગલું યોગ્ય રજિસ્ટ્રેશન વિના હજ કરવા આવતા લોકોને અટકાવવાનો છે. તેમજ યાત્રાળુઓને અગવડ ન પડે તે હેતુ સાથે વધુ પડતા પ્રવાસીઓને અટકાવવાનો છે. ઘણા લોકો ઉમરાહ અને વિઝિટર વિઝા પર સાઉદી અરેબિયા આવી મક્કામાં હજ કરવા ગેરકાયદે રોકાણ કરતાં હોવાની ફરિયાદો મળી છે. જેને ધ્યાનમાં લેતાં વિઝા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

વિઝા નિયમો કડક બનાવાયા

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઓથોરિટીને વિઝા નિયમોના કડક અમલીકરણ લાગુ કરવા આદેશ આપ્યો છે. જેથી હજ યાત્રાળુઓની સુરક્ષા તેમજ સુલભતાની ખાતરી કરી શકાય. નવા આદેશાનુસાર 13 એપ્રિલ સુધી ઉમરાહ વિઝા મળશે. ત્યારબાદ આ 14 દેશોના કોઈપણ શ્રદ્ધાળુને ઉમરાહના વિઝા મળશે નહીં.

આ 14 દેશો પર મૂકાયો ટ્રાવેલ પ્રતિબંધ

 

ભારત પાકિસ્તાન
બાંગ્લાદેશ ઈજિપ્ત
ઈન્ડોનેશિયા ઈરાક
નાઈજિરિયા જોર્ડન
અલ્જેરિયા સુદાન
ઈથોપિયા ટ્યુનિશિયા
યેમેન મોરોક્કો

1000થી વધુ લોકોના મોત

ગતવર્ષે હજ 2024 દરમિયાન વધુ પડતી ભીડના કારણે 1000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ઘણા યાત્રાળુઓ બિનસત્તાવાર ધોરણે હજ કરવા આવ્યા હતા. આ ગેરકાયદે આવતાં યાત્રાળુઓ પર લગામ લાદવાના હેતુ સાથે સાઉદી અરેબિયાએ 14 દેશો પર ટૂંકાગાળાનો વિઝા પ્રતિબંધ લાગુ કર્યો છે. જેથી આ વર્ષે આવનારા હજ યાત્રાળુઓ શાંતિથી પોતાની બંદગી અદા કરી શકે


Related Posts

Load more