G20 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતના અતિથિ બન્યા હતા અને તેમણે મહેમાનગતિ માણી હતી. ભારત-કેનેડાના સંબંધો સારા રહ્યા છે પણ કેનેડાના પીએમ ટ્રુડોએ અહીંયા સારી-સારી વાતો કરી ને હવે કેનેડા પહોંચીને પોત પ્રકાશ્યું છે. ટ્રુડોએ કેનેડાની સંસદમાં જણાવ્યું કે, શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ભારતે કહ્યું કે, ખાલિસ્તાની આતંકવાદથી ધ્યાન હટાવવા કેનેડા સરકાર આવું કરે છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને દેશમાંથી કાઢી મૂક્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય સરકારી એજન્ટોએ જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી.
ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલી જી-20 બેઠક દરમિયાન તેમણે આ મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડા સરકાર દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે.
ટ્રુડોએ કહ્યું- તપાસમાં સહયોગ માટે ભારત પર દબાણ બનાવશે
ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે તેઓ આ હત્યાની તપાસમાં સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.
વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના 14 થી 18 લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ શીખ સમુદાયમાંથી છે.
ભારતે કહ્યું- કેનેડાના આરોપો પાયાવિહોણા છે
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. આ પ્રકારના આરોપ કેનેડાના વડાપ્રધાને પીએમ મોદી સમક્ષ પણ જણાવ્યા હતા. આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.
આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. તેમને કેનેડામાં આશરો આપવામાં આવ્યો છે અને તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે જોખમી છે.
આ આરોપને કારણે ભારત અને કેનેડાના સંબંધો વધુ બગડવાની આશંકા
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પહેલાંથી જ તંગ છે. કેનેડાના પીએમના આ આરોપથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડવાની શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં કેનેડાએ ભારત સાથેના વેપાર સોદા અંગેની વાતચીત બંધ કરી દીધી હતી. તે જ સમયે, G20 દરમિયાન, પીએમ મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.