શિષ્યવૃતિ કયા વિદ્યાર્થીને મળશે રાજય સરકારે કરી મોટી સ્પષ્ટતા

By: nationgujarat
06 Dec, 2024

ગાંધીનગર: અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સંદર્ભે વિવિધ અખબારોમાં પ્રસિધ્ધ થયેલ સમાચારોના સંબંધમાં આદિજાતિ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી છે. જેમાં રાજ્ય સરકાર પણ જોડાયેલ છે.

આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ ૨૦૧૦થી લાગુ થયેલ આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ ૨૦૨૨થી નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવેલ છે. નવી સુચનાઓ મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોઈ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં, આ યોજના કેન્દ્ર સરકાર પુરસ્કૃત હોઈ, રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકાર દ્વારા યોજનાને સબંધિત માર્ગદર્શિકા અનુસાર યોજનાની અમલવારી કરવાની રહે છે. તદ્દનુસાર, રાજ્ય સરકાર દ્વારા કાળજીપૂર્વકની વિચારણાના અંતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરેલ છે. જો કે, અત્રે એ નોંધવું જરૂરી છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં કે તે પૂર્વે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ હોય અને શિષ્યવૃત્તિનો લાભ મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ આપવાનું પણ ઠરાવાયું છે.

Related Posts

Load more