વિશ્વ ક્રિકેટમાં ભારતનો દબદબો, જય શાહ બિનહરીફ ચૂંટાયા ICCના નવા ચેરમેન

By: nationgujarat
27 Aug, 2024

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ આઈસીસીના નવા ચેરમેન બન્યા છે. જય શાહને આઈસીસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. આઈસીસીના વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. જય શાહ આઈસીસીના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર પાંચમાં ભારતીય છે. આ પહેલા જગમોહન ડાલમિયા, એન શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન કરી ચૂક્યા છે.

આઈસીસી ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર હોય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધી 4 વર્ષ પૂરા કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં આઈસીસીના સ્વતંત્ર ચેરમેનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2022માં ફરી આ પદ પર ચૂંટાયા હતા.

આઈસીસી ચેરમેન માટે આ છે નિયમ
આઈસીસીના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતનો સાધારણ બહુમત જરૂરી છે. આ પહેલા ચેરમેન બનવા માટે નિવર્તમાનની પાસે બે-તૃતીયાંશ બહુમત હોવો જરૂરી હતો.

આઈસીસીએ તાજેતરમાં કહ્યું હતું- વર્તમાન ડિરેક્ટરોએ હવે 27 ઓગસ્ટ 2024 સુધી આગામી અધ્યક્ષ માટે નામાંકન રજૂ કરવું પડશે અને જો એકથી વધુ ઉમેદવાર છે તો ચૂંટણી થશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

જય શાહ પહેલા ચાર ભારતીય ICC ચીફ રહી ચૂક્યા છે.
જય શાહ પહેલા ચાર ભારતીય ICCના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997 થી 2000 સુધી ICCના પ્રમુખ હતા. આ પછી શરદ પવાર 2010 થી 2012 સુધી આઈસીસી પ્રમુખ રહ્યાં હતા. જ્યારે એન શ્રીનિવાસન 2014-15માં અધ્યક્ષ હતા. જ્યારે શશાંક મનોહર 2015-2020 સુધી અધ્યક્ષ હતા. વાસ્તવમાં 2015 પહેલા ICC ચીફને પ્રેસિડેન્ટ કહેવામાં આવતા હતા. પરંતુ આ પછી તેમને અધ્યક્ષ કહેવા લાગ્યા.


Related Posts

Load more