વેસ્ટઈન્ડિઝે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. ટીમે બ્રિસબેનના ધ ગાબા મેદાન પર 36 વર્ષ બાદ કાંગારૂઓને 8 રનથી હરાવ્યું હતું. વિન્ડીઝે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતી. આ જીતની કહાની ગયાનાના ફાસ્ટ બોલર શમર જોસેફે લખી હતી, જે એક વર્ષ પહેલા સુધી સિક્યોરિટી ગાર્ડ તરીકે પોતાનું જીવન જીવી રહ્યો હતો.
રવિવારે આ બોલરે પગના ઈજાગ્રસ્ત અંગૂઠા સાથે બોલિંગ કરી અને 7 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. એક દિવસ પહેલા, મિશેલ સ્ટાર્કના યોર્કરથી તેના અંગૂઠામાં વાગ્યું હતું અને તે પીચ પર પડી ગયો અને પીડાથી તડપવા લાગ્યો હતો. શમારને ઈજાગ્રસ્ત થતાં રિટાયર્ડ હર્ટ થવું પડ્યું અને તેના સાથી ખેલાડીઓએ તેને મેદાનની બહાર લઈ ગયા હતા.
કેપ્ટને રમવાની ના પાડી, બીજા ખેલાડીની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો
ઈજાના બીજા દિવસે, કેપ્ટન ક્રેગ બ્રેથવેટે શમારને મેચ રમવા દેવાની ના પાડી. અને તેને પોતાની ટેસ્ટ જર્સી હોસ્પિટલમાં છોડીને મેચ જોવા આવવા કહ્યું. પોતાની ટીમને મેદાન પર હારતી જોઈને શમાર માન્યા નહીં. તેમણે એકસ્ટ્રા ખેલાડી ઝાચેરી મેકકાસ્કીની જર્સી પહેરી, તેનું નામ ટેપથી ઢાંક્યું અને રમવા માટે ઉતર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 216 રનના લક્ષ્યાંકમાં 2 વિકેટે 113 રન બનાવ્યા હતા. શમાર જોસેફે 7 ઓવરમાં 6 વિકેટ ઝડપી હતી અને સ્કોર 8 વિકેટના નુકસાને 175 રન થઈ ગયો હતો. તેણે જોશ હેઝલવુડને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને 10મો ઝટકો આપ્યો અને વેસ્ટ ઈન્ડિઝને રોમાંચક ટેસ્ટ 8 રનથી જીતી લીધી.
ઈન્ટરનેટ ટીવી 2018માં પહેલીવાર જોવા મળ્યું
24 વર્ષનો શમાર જોસેફ 3 બહેનો અને 5 ભાઈઓના પરિવારમાં મોટો થયો હતો. તે ગુઆના ટાપુ બરાકારા પરના નાના સમુદાયમાંથી છે. અહીં માત્ર 350 લોકો રહે છે. આ સ્થળે માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. બરાકરાના ઘરોમાં 2018 સુધી ઇન્ટરનેટ કે ટીવી નહોતા.
સમગ્ર સમુદાયમાં માત્ર એક જ બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતું અને લેન્ડ લાઇન સિવાય અન્ય કોઈ સંદેશાવ્યવહારનું સાધન ન હતું. બરાકારામાં માત્ર એક નાનું આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા હતી; ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળા પણ નહોતી.
શમાર લાકડાં કાપીને ઘરે જતો હતો, અકસ્માત બાદ સિક્યુરિટી ગાર્ડ બન્યો હતો
તે એક સમયે બારાકારા જંગલમાંથી લાકડા કાપીને પોતાનું ઘર ચલાવતો હતો, તેનો પરિવાર લાકડાની હેરફેર કરતો હતો. તેઓ જંગલમાં જઈને લાકડા કાપતા હતા. એક દિવસ જ્યારે તે ઝાડ કાપતો હતો ત્યારે ઝાડ લગભગ તેના પર પડતા-પડતા રહી ગયું અને તેણે કામ છોડી દીધું.વધુ સારા જીવનની શોધમાં, જોસેફ ન્યૂ એમ્સ્ટર્ડમમાં શિફ્ટ થયો. જ્યાં તેને એક કન્સ્ટ્રક્શન સાઈટમાં મજૂર તરીકે નોકરી મળી હતી. થોડા દિવસો પછી તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કર્યું. અહીં તેને 12 કલાકની શિફ્ટમાં કામ કરવું પડતું હતું. આ દરમિયાન તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી પત્નીની સલાહ પર નોકરી છોડી દીધી.
એક વર્ષ પહેલા સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યો નહોતો
જોસેફે એક વર્ષ પહેલા સુધી કોઈ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ન હતી. ગયાનાના એક નાનકડા ગામમાંથી ઝડપથી રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો. શમારે 9 દિવસ પહેલા 17 જાન્યુઆરીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ડેબ્યૂ સિરીઝમાં જ 13 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ચૂંટાયા હતા. જોસેફ ભૂતપૂર્વ બોલરો કર્ટલી એમ્બ્રોઝ અને કર્ટની વોલ્શને પોતાના રોલ મોડલ માને છે.
લાકડા કાપતી વખતે તેઓ ટેપ બોલ અને કાપડના બોલ તેમજ લીંબુ, જામફળ અને સફરજન જેવા ફળો વડે બોલિંગ કરતો હતો. બરાકરામાં તેને જંગલ-લેન્ડ ક્રિકેટ નામ આપવામાં આવ્યું હતું.