વાયરલ વિડિઓ : અમેરિકાના ડેટ્રોઈટ (Detroit) માં પિતાના અંતિમ સંસ્કારને પુત્રોએ યાદગાર બનાવી દીધા છે. પિતાના અંતિમ સંસ્કાર વખતે પુત્રોએ હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4 લાખ 17 હજાર રુપિયાની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આકાશમાંથી વરસતી નોટોને એકઠી કરવા માટે રસ્તા પર લોકોની ભીડ એક્ઠી થઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં નાણાંના વરસાદ પાછળનું કારણ જણાવતા પુત્રોએ જણાવ્યું હતું કે, આ અમારા પિતાની અંતિમ ઈચ્છા હતી. જે અમે પૂરી કરી છે.
અમેરિકાના ડેટ્રોઈટમાં એક અનોખા અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં સ્વર્ગસ્થ પિતાની યાદમાં પુત્રોએ આકાશમાંથી પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. જ્યારે પિતાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. જો કે ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4 લાખ 17 હજાર રુપિયાની ચલણી નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ગુલાબની પાંખડી સાથે ચલણી નોટોનો વરસાદ થતાં જ શરુઆતમાં તો લોકોને વિશ્વાસ જ ન થયો. જો કે ચલણી નોટો સાચી હોવાનું માલૂમ પડતાં જ રસ્તા પર નોટો એક્ઠી કરવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી.
પિતાની અંતિમ ઈચ્છા
ડેટ્રોઈટમાં કરવામાં આવેલા અનોખા અંતિમ સંસ્કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અંતિમ સંસ્કાર વખતે જ ગુલાબની પાંખડીઓની સાથે ચલણી નોટોનો પણ વરસાદ વરસ્યો હતો. આમ કરવા પાછળનું કારણ પુછતા મૃતકના પુત્રોએ જણાવ્યું કે, અમારા પિતા સ્વભાવે બહુ ઉદાર હતા અને સૌ કોઈને મદદ કરતા હતા. તેમની છેલ્લી ઈચ્છા હતી કે, મારી અંતિમ ક્રિયા વખતે આ રીતે ચલણી નોટોનો વરસાદ કરવામાં આવે. તેથી જ અમે અમારા પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4 લાખ 17 હજાર રુપિયાની ચલણી નોટ વરસાવી છે.