વડોદરા: હોળીની મોડી રાતે કારેલીબાગ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી 8 લોકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. આ દુર્ઘટનામાં હેમાલી પટેલ નામની યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારે વ્યથા ઠાલવી છે. ઇજાગ્રસ્તના પિતા અજીત કેવાલાણીએ ઈજાગ્રસ્તો અંગે વાત કરી છે. રક્ષિતે સર્જેલા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પીડા કેટલી મોટી છે, તે અંગે તેમણે જણાવ્યું છે.
ઈજાગ્રસ્ત થયેલા બાળકોના પિતા અજીત કેવલાણીનું નિવેદન
ઈજાગ્રસ્ત થયેલા બાળકોના પિતા અજીત કેવલાણીએ જણાવ્યું કે, તબીબનો અભ્યાસ કરતી કોમલ કેવલાણીના પગના વાસ્ક્યુલર ફાટી ગયા છે. કોમલ કેવલાણીની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સ્થિતિ છે. ભાઈના દીકરા જયેશને પણ બે સર્જરી થઈ ચૂકી છે. મોટી ખોડ ખાંપણ પણ રહી શકે છે. પહેલા જેવું જીવન જીવવું ઈજાગ્રસ્તો માટે અઘરું છે. બીજી બાજુ, આરોપીઓને દાખલારૂપ સજા મળે તેવી પરિવારની માગ છે. અજીત કેવાલાણીનો દીકરો અને દીકરી તેમજ ભાઈના દીકરાને ગંભીર ઇજા પહોંચી છે.
ભારે રોષ વચ્ચે ઉઠી માગ
બીજી બાજુ, આરોપી રક્ષિત જે કોલેજમાં ભણે છે, ત્યાં પણ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. સાથે જ તાત્કાલિક ધોરણે તેનું એડમિશન રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસીયા એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે, ત્યારે આ ઘટના બાદ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આરોપીનું એડમિશન રદ્દ કરવા એન.એસ.યુ.આઈ મેદાને પડ્યું છે. આરોપીનું એડમિશન રદ્દ કરવા વાઇસ ચાન્સેલરને આવેદન આપ્યું છે. સાથે જ રક્ષિત ચોરસિયાના ફોટાને આગ ચાંપી રોષ વ્યક્ત કર્યો છે. રક્ષિતનું એડમિશન તાત્કાલિક રદ્દ કરી તેને ઘર ભેગો કરવા માંગ કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે, હોળીની રાત્રે આ અકસ્માત કરતા પહેલા રક્ષિત રિક્ષામાં એરપોર્ટ સર્કલ પહોંચ્યો હતો. એરપોર્ટ સર્કલ પાસે સુરેશ ભરવાડ આવ્યો અને ટુ-વ્હીલર રક્ષિતને ગધેડા માર્કેટ વિસ્તારના તેના ઘરે લઈ ગયો હતો. ત્યારે રક્ષિત જ ટુ-વ્હીલર ચલાવ્યું હતું અને સુરેશ પાછળ બેઠો હતો. પાર્કિંગ કરતી વખતે રક્ષિતે સ્લોપને કારણે ત્રીજા પ્રયાસમાં વાહન લઈ ગયો હતો. વાહન પાર્ક કયાં બાદ રક્ષિત હાથમાં પ્લાસ્ટિકની બોટલ લઈ સુરેશ સાથે ઘરની અંદર ગયો હતો. જે બાદ લગભગ 13 મિનિટ બાદ પ્રાંશુ ફોક્સ વેગનને લઈને સુરેશના ઘરે પહોંચ્યો હતો. રક્ષિત, સુરેશ અને પ્રાંશુ રાત્રે 10.30થી 11.25 કલાક સુધી ઘરની અંદર હતાં. આ લોકોએ પોણો કલાક ઘરમાં શું કર્યું તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. સુરેશના ઘરેથી નીકળ્યા બાદ રક્ષિતે કાર ચલાવી હતી અને પ્રાંશુ બાજુમાં બેઠો હતો. જે બાદ મોડી રાત્રે આમ્રપાલી પાસે અકસ્માત થયો હતો. સુરેશ સ્ટાફ સિલેક્શનની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.