Vadodara Water Protest : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર પાણીની ફરિયાદો ઉઠી છે. ત્યારે આજે ગોરવા વિસ્તારની ચંદ્રલોક સોસાયટીમાં પણ છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીની સમસ્યા હોય સ્થાનિકોએ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે.
શહેરના ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે આવેલ અને વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ ચંદ્રલોક સોસાયટી 800 જેટલા મકાનો ધરાવે છે. આ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી મળતા અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજરોજ સ્થાનિકોએ માજી કાઉન્સિલર વિરેન્દ્ર રામીની આગેવાનીમાં તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ રાખી તંત્ર વિરુદ્ધ આક્રોશ સાથે માટલા ફોડી સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. આ અંગે સ્થાનિક મહિલાઓનું કહ્યું છે કે, છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં પીવાના પાણીની સાથે ડ્રેનેજનું પાણી ભળતા દુર્ગંધ મારતું પીળાશ પડતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. જેના કારણે બીમારીનો ભોગ બનવાનો વખત આવ્યો છે. એક તરફ ચૈત્ર નવરાત્રીના ઉપવાસ છે અને બીજી તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આ વિસ્તારના નેતા તથા અધિકારીઓને રજૂઆત કરવા છતાં સ્થળ પર કોઈ ફરકતું નથી. જેથી નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.