વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાંસના 2 દિવસના પ્રવાસે રવાના થયા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે. મોદી પહેલાં, 2009 માં મનમોહન સિંહ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા, જેમને બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ગુરુવારે ફ્રાન્સ પહોંચ્યા પછી PM પેરિસમાં લા સીએન મ્યુઝિકેલ ખાતે ડાયસ્પોરાને સંબોધિત કરશે. લા સીએન મ્યુઝિકેલ હાલમાં ભારતીય દૂતાવાસ અને સંસ્કૃતિ મંત્રાલય વતી ‘નમસ્તે ફ્રાન્સ’ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાનું આયોજન કરી રહ્યું છે. આ પછી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મોદી માટે તેમના સત્તાવાર નિવાસસ્થાન એલસી પેલેસમાં પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
INS વિક્રાંતને મળશે 26 રાફેલ ફાઈટર જેટ, 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન ડીલ શક્ય
સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો પીએમ મોદીની આ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ એમ ફાઈટર એરક્રાફ્ટને લઈને ડીલ થવાની સંભાવના છે. ભારત પોતાની નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-M એટલે કે મેરીટાઇમ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. આ વિમાન 5.5 અબજ ડોલર (45 હજાર કરોડ રૂપિયા)માં ઉપલબ્ધ થશે. આ સાથે 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન માટે ડીલ થઈ શકે છે.
આ રાફેલનું દરિયાઈ સંસ્કરણ હશે, જે આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય માટે આવી રહ્યું છે. આ માટે INS વિક્રાંતનું સમુદ્રી ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે. તેના ડેકમાંથી ફાઇટર ઓપરેશનનું પરીક્ષણ કરવાનું બાકી છે. ડીલ સીલ થયા પછી ટેકનિકલ અને ખર્ચ ઔપચારિકતાઓ પૂર્ણ થવામાં ઓછામાં ઓછો એક વર્ષ લાગશે.
નિષ્ણાંતોનું કહેવું છે કે રાફેલ નેવી માટે પણ યોગ્ય છે કારણ કે એરફોર્સે રાફેલની જાળવણી સાથે સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. રાફેલ એમની પ્રથમ બેચને આવવામાં 3 વર્ષ લાગી શકે છે. વાયુસેના માટે 36 રાફેલની ડીલ 2016માં થઈ હતી અને તેને ડિલિવરી કરવામાં 7 વર્ષ લાગ્યા હતા.