વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે ‘હું શપથ લઉં છું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું. હું દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.’
શપથ લીધા બાદ પરેડ યોજાઈ
વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.