બિહારમાં પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. લૉરેન્સ ગેંગને ચેલેન્જ આપનારા પપ્પુ યાદવને મળેલી ધમકીનો ઓડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ધમકી આપનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, તે ‘રેસ્ટ ઈન પીસ કરી દઈશું.’ આ સાથે જ ધમકી આપનારે પપ્પુ યાદવને એમ પણ કહ્યું કે, કે કેટલાક અખબારો દ્વારા જાણકારી મળી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સાંસદ પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈ વિશે ઉલ્ટા-સીધા નિવેદનો આપ્યા હતા.
…નહીંતર રેસ્ટ ઈન પીસ કરી દઈશું
ધમકી આપનારે આગળ કહ્યું કે, હું પપ્પુ યાદવને સ્પષ્ટ કહેવા માગું છું કે તારી ‘ઓકાત’માં રહીને ચુપચાપ રાજકારણ કરવા પર ધ્યાન આપે. વધારે બીજી બાબતોમાં પડી ટીઆરપી કમાવાના ચક્કરમાં ન પડે, નહીંતર રેસ્ટ ઈન પીસ કરી દઈશું.
પપ્પુ યાદવે ડીજીપી પાસે માગી સુરક્ષા
પપ્પુ યાદવની ધમકીની ઓડિયો ક્લિપ હવે વાયુ વેગે વાયરલ થઈ રહી છે. ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે ડીજીપી પાસે ઝેડ કેટેગરીની સુરક્ષાની માગ પણ કરી છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સલમાન ખાનને ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈ ગેંગને લઈને મીડિયા સામે નિવેદન આપ્યું હતું.
એટલું જ નહીં તેઓ સલમાન ખાનને મળવા મુંબઈ પણ ગયા હતા. જોકે, સલમાન ખાન સાથે તેમની મુલાકાત નહોતી થઈ શકી. પરંતુ તેમના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મારી સલમાન ખાન સાથે ફોન પર લાંબી વાતચીત થઈ છે. મુંબઈની મુલાકાત દરમિયાન પપ્પુ યાદવ બાબા સિદ્દીકીના ઘરે પણ ગયા હતા બાબા સિદ્દીકીની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો.
પપ્પુ યાદવે ગૃહમંત્રીને લખ્યો પત્ર
હવે ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની સુરક્ષા વધારવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, મને હાલમાં Y કેટેગરીની સુરક્ષા મળી રહી છે પરંતુ મને સતત ધમકી મળી રહી છે તેથી મારી સુરક્ષા વધારીને Z કેટેગરી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર રહેશે. પપ્પુએ દરેક જિલ્લામાં પોતાના માટે પોલીસ એસ્કોર્ટ અને કાર્યક્રમ સ્થળ પર કડક સુરક્ષાની પણ માગ કરી છે.