લોકસભા ચૂંટણી પહેલા ભાજપની જીત થી થઇ શકે છે શરૂઆત જાણો કારણ

By: nationgujarat
22 Apr, 2024

ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે! ભાજપ લોકસભામાં 26 એ 26 બેઠક અંકે કરવા માટે હવે નવા પેંતરા રચી રહ્યું છે. ભાજપને હવે વન વે જીતી જવું છે. ગુજરાતના રાજકારણમાં ભાજપે નવો દાવ અજમાવ્યો છે. ચૂંટણી પહેલા વિપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાવો. ભાજપે સુરત બેઠક પર મોટો દાવપેચ ખેલ્યો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ છેલ્લી ઘડીએ ફરી જતા તેમનું ફોર્મ રદ થયું છે. ત્યારે હવે ભાજપે સુરત બેઠક પર બિન હરીફ થવા માટે નવો ખેલ શરૂ કર્યો છે. મોટા અપડેટ સામે આવ્યા છે કે, સુરત બેઠક પર બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, અપક્ષ સહિત બાકીના 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચ્યા છે. હવે માત્ર 2 ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે.

૮ ઉમેદવારો પૈકી ૬ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચ્યા
સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ હવે બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા ખેલ શરૂ થયા છે. માત્ર 8 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે તો બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થશે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના 8 ઉમેદવારો પર હતી. જો આજે તમામ 8 અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તો મુકેશ દલાલ વન વે જીતી જશે. ત્યારે સવારમાં જ સુરતમાં અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી ૬ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચ્યા છે. હવે માત્ર ૨ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે. આ બે ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો મુકેશ દલાલ બિનહરીફ જીતી જશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય બાદ 4 અપક્ષ અને અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા

પરેશ ધાનાણીનો આક્ષેપ
સુરતમાં ફોર્મ રદ થવાની ઘટના પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નથી. સત્તાના જોરે ભાજપ વિપક્ષને નહિ પરંતુ સામાન્ય માણસના સ્વાભિમાનને કચડી રહ્યું છે.

પંચમહાલમાં પણ ભાજપે મોટો ખેલ પાડ્યો
લોકસભાની ચૂંટણી મામલે પંચમહાલથી મોટી ખબર આવી છે. પંચમહાલ લોકસભા સીટના બસપા ના ઉમેદવાર શૈલેષ ઠાકર પોતાની ઉમેદવારી પછી ખેંચી શકે છે. ભાજપના સ્થાનિક મોટા નેતાઓએ રાત્રિ દરમ્યાન ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી સહિત ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સાથે શૈલેષ ઠાકરની મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. મોટા નેતાઓ દ્વારા સમજાવટના પ્રયત્નો સફળ થયા હોવાની આધારભૂત સુત્રો થકી જાણકારી મળી છે. શૈલેષભાઇ બ્રહ્મ સમાજના અગ્રણી અને મુળ ભાજપના જ કાર્યકર હોઈ એમને મનાવી લેવાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. બપોર સુધી શૈલેષભાઇ ઠાકર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે. શૈલેષ ઠાકરની સાથે સાથે અન્ય અપક્ષો પણ ફોર્મ પરત ખેંચે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો આવું થશે તો પંચમહાલ લોકસભા બેઠક પર હવે માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધો જંગ રહેશે.


Related Posts

Load more